KALOL(Panchamahal)PANCHMAHAL

LCB પોલીસની સફળ કામગીરી. ચોરીની ત્રણ બાઈક સાથે રીઢો તસ્કર ઝડપાયો, કાલોલ-વડોદરાના ગુના ઉકેલાયા.

 

તારીખ ૧૨/૦૫/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

ગોધરા: પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. હરેશ દૂધાત દ્વારા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા આપેલ કડક સૂચનાઓના પગલે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ગોધરાને મોટી સફળતા મળી છે. એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. વોરાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન એ.એસ.આઈ. દિગ્પાલસિંહ અને હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈને ચોક્કસ હ્યુમન સોર્સ દ્વારા બાતમી મળી હતી કે કાલોલ તાલુકાના બોરૂ ગામે નર્મદા કેનાલ પાસે એક ઇસમ ચોરીની મોટરસાયકલ સાથે ઉભો છે. જે બાતમીના આધારે પીએસઆઈ એસ.આર. શર્મા અને એલસીબીની ટીમે બોરૂ કેનાલ પાસે છટકું ગોઠવી વોચ રાખી હતી. તપાસ દરમિયાન ત્યાં એક શંકાસ્પદ ઇસમ બજાજ સીટી-૧૦૦ મોટરસાયકલ (નંબર GJ-06-LH-6021) સાથે મળી આવ્યો હતો. વધુ તપાસ કરતા કેનાલ પાસેની ઝાડીઓમાં અન્ય બે નંબર વગરની મોટરસાયકલો પણ સંતાડેલી હાલતમાં મળી આવી હતી. પોલીસે જ્યારે આ વાહનોના કાગળો માંગ્યા ત્યારે તે રજૂ કરી શક્યો ન હતો, જેથી પોલીસે કુલ રૂ. ૬૦,૦૦૦ની કિંમતની ત્રણ મોટરસાયકલો મુદ્દામાલ તરીકે જપ્ત કરી હતી.પકડાયેલ આરોપી રજનીકાંત ઉર્ફે શન્ની સતિષભાઇ પારેખ (રહે. ધનતેજ, તા. સાવલી, જી. વડોદરા) ની પોલીસે સઘન પૂછપરછ કરતા તેણે આશ્ચર્યજનક કબૂલાત કરી હતી. આરોપીએ જણાવ્યું હતું કે તેણે ૧૫ દિવસ પહેલા કાલોલ મઘાસર ચોકડી પાસેથી ડુપ્લીકેટ ચાવી વડે બજાજ બાઈક ચોરી હતી. આ ઉપરાંત દોઢ મહિના અગાઉ વડોદરા ગ્રામ્યના વડીયા રાણીપુરા ગામે રામાપીરના મંદિરે ભીડનો લાભ લઈ સ્પ્લેન્ડર પ્રો અને એક વર્ષ અગાઉ વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલના પાર્કિંગમાંથી પેશન પ્રો બાઈકના લોક તોડી ડાયરેક્ટ કરી ચોરી કરી હતી. આ કામગીરી દ્વારા કાલોલ, વડોદરા શહેરના રાવપુરા અને વડોદરા ગ્રામ્યના સાવલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસે હાલ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!