HALOLPANCHMAHAL

હાલોલ મહાજન ઉચ્ચ શિક્ષણ મંડળના પ્રમુખ સ્વ.પ્રફુલચંદ્ર શાહની ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ સભા યોજાઈ,પરિવારે સંસ્થાને વધુ રૂ.૫૧ લાખનું દાન અર્પણ કર્યું

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૯.૬.૨૦૨૬

હાલોલ મહાજન ઉચ્ચ શિક્ષણ મંડળના પ્રમુખ શ્રી પ્રફુલચંદ્ર મોહનલાલ શાહનું ગત રવિવાર, ૩૧મી મેના રોજ ૮૫ વર્ષની વયે મુંબઈ ખાતે ટૂંકી માંદગી બાદ દુઃખદ અવસાન થયું હતું. તેમના અવસાનથી સમગ્ર હાલોલ નગરમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ શૈક્ષણિક સંસ્થાને કદી ન પુરાય તેવી ખોટ પડી છે, ત્યારે દિવંગત આત્માના શ્રેયાર્થે સંસ્થાના ગોધરા રોડ સ્થિત એમ એન્ડ વી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સોમવારે સાંજે ૫:૩૦ કલાકે એક ભવ્ય પ્રાર્થના અને શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.ભજન-કીર્તન સાથે દિવ્ય આત્માને અંજલિ શ્રદ્ધાંજલિ સભામાં ઉપસ્થિત નગરના વિવિધ સંસ્થાઓના આગેવાનો અને મોટી સંખ્યામાં હાજર રહેલા નગરજનોએ શોકાતુર પરિવાર પર આવી પડેલા દુઃખમાં ભગવાન તેમને શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી. સભામાં ભજન-કીર્તન દ્વારા સ્વ. પ્રફુલચંદ્ર શાહના જીવનકાર્યને યાદ કરી, તેમના દિવ્ય આત્માને ચીર શાંતિ મળે અને તેમનો દેહ વૈકુંઠધામ (ગૌલોકવાસ) પામે તેવી મંગલ કામના કરવામાં આવી હતી.સમગ્ર શૈક્ષણિક પરિવારની ઉપસ્થિતિ આ દુઃખદ પ્રસંગે સ્વ. પ્રફુલચંદ્ર શાહનો પરિવાર ખાસ ઉપસ્થિત રહ્યો હતો. આ ઉપરાંત સંસ્થા સંચાલિત તમામ પાંખો, જેવી કે એમ.એન્ડ વી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ,વી.એમ.શાહ ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમની શાળાઓ લો કોલેજ અને સાયન્સ કોલેજ BSW, MSW અને માસ્ટર ઓફ કોમર્સ (M.Com) કોલેજ આ તમામ શૈક્ષણિક વિભાગોના સ્ટાફ અને વિદ્યાર્થી પરિવારે ઉપસ્થિત રહીને વડીલ પ્રમુખશ્રીને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શ્રદ્ધાંજલિ સભામાં વધુ રૂ. ૫૧ લાખનું દાન સ્વ. પ્રફુલચંદ્ર શાહનો પરિવાર વર્ષોથી સામાજિક અને ખાસ કરીને શૈક્ષણિક કાર્યોમાં સદા અગ્રેસર રહ્યો છે. તેમણે હાલોલ પંથકમાં શાળાઓ અને કોલેજોની સ્થાપના કરીને તન, મન અને ધનથી ઉદાર હાથે યોગદાન આપ્યું છે.હજુ બે મહિના પહેલા જ આ શૈક્ષણિક સંસ્થાને ૫૦ વર્ષ (ગોલ્ડન જુબિલી) પૂર્ણ થતાં સ્વ. પ્રફુલચંદ્ર શાહે રૂ. ૫૧ લાખનું માતબર દાન આપ્યું હતું. ત્યારે તેમના સેવાકાર્યોના વારસાને આગળ ધપાવતા, ગઈકાલે યોજાયેલી શ્રદ્ધાંજલિ સભામાં તેમના ધર્મપત્ની, પુત્ર અને સમગ્ર પરિવારે સંસ્થાના વિકાસ અર્થે ફરીથી રૂ. ૫૧ લાખનું દાન જાહેર કરીને ઉદારતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.પરિવારની આ દાતાશક્તિ અને સ્વ. પ્રફુલચંદ્રભાઈના પ્રદાનને સમગ્ર હાલોલ નગરે આદરપૂર્વક બિરદાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!