વેજલપુરમાં વટ સાવિત્રી વ્રતનું ભવ્ય આયોજન: કમલભાઈ મહેતા દ્વારા સૌભાગ્યવતી મહિલાઓ માટે વિશેષ પૂજન.

તારીખ ૩૦/૦૬/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
હિન્દુ ધર્મમાં અખંડ સૌભાગ્ય અને પતિના દીર્ઘ આયુષ્યની કામના માટે કરવામાં આવતું અત્યંત પવિત્ર અને મહત્વપૂર્ણ વ્રત એટલે ‘વટ સાવિત્રી વ્રત’. આ વર્ષે કાલોલ તાલુકાના વેજલપુર મુકામે વટ સાવિત્રી વ્રત નિમિત્તે સમૂહ પૂજનનું સુંદર આયોજન કરવામાં આવ્યુ હતું આ વ્રતમાં વડના વૃક્ષનું વિશેષ મહત્વ હોવાથી, મહિલાઓ દ્વારા વડ દાદાની પૂજા-અર્ચના કરીને પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી આ પવિત્ર વ્રત પાછળ સતી સાવિત્રી અને સત્યવાનની અમર પૌરાણિક કથા જોડાયેલી છે. જેમાં પતિવ્રતા નારી સાવિત્રીએ પોતાના દૃઢ સંકલ્પ અને ભક્તિના બળે યમરાજ પાસેથી પણ પોતાના પતિ સત્યવાનના પ્રાણ પાછા મેળવ્યા હતા. કથા અનુસાર, સાવિત્રીએ વડના વૃક્ષ (વટ વૃક્ષ) નીચે જ તપ કરી પોતાના પતિને પુનર્જીવન અપાવ્યું હતું.શાસ્ત્રોમાં વડના વૃક્ષને ત્રિદેવ (બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ)નું સ્વરૂપ અને દીર્ઘ આયુષ્યનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે બહેનો વડના વૃક્ષને સુતરનો કાચો દોરો વીંટીને પ્રદક્ષિણા કરે છે અને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ મેળવે છે.ભક્તોની સગવડતા માટે વેજલપુરમાં બે અલગ-અલગ સ્થળોએ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું .આ ધાર્મિક ઉત્સવનું આયોજન અને આચાર્ય પદ કમલભાઈ મહેતા (મહારાજ) દ્વારા કરવામાં આવ્યું હતું અને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અને વૈદિક મંત્રોચ્ચાર સાથે બહેનોની પૂજા સંપન્ન કરાવી હતી.







