GUJARATNANDODNARMADA

નર્મદા : કોંગ્રેસના કારણે કાશ્મીરનો એક ભાગ પાકિસ્તાન પાસે ગયો : વડાપ્રધાન મોદીનો આક્ષેપ

નર્મદા : કોંગ્રેસના કારણે કાશ્મીરનો એક ભાગ પાકિસ્તાન પાસે ગયો : વડાપ્રધાન મોદીનો આક્ષેપ

 

જ્યાં સુધી દેશ નક્સલવાદ-માઓવાદના આતંકથી પૂરી રીતે મુક્ત નહીં થાય, ત્યાં સુધી આ સરકાર જંપશે નહી

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાંનિધ્યમાં દેશભક્તિના જોમજુસ્સા સાથે અર્ધ સૈનિક દળોની વિવિધ ટૂકડીઓ દ્વારા એકતા પરેડ યોજવામાં આવી હતી.

 

વડાપ્રધાનએ કહ્યું કે એકતા રાષ્ટ્ર અને સમાજના અસ્તિત્વનો મૂળ આધાર છે; જ્યાં સુધી સમાજમાં એકતા છે, ત્યાં સુધી રાષ્ટ્રની અખંડિતતા સુરક્ષિત છે. વિકસિત ભારતના લક્ષ્ય તરફ પહોંચવા માટે એકતા તોડનારા દરેક ષડયંત્રને એકતાની તાકાતથી વિફળ બનાવવું પડશે. ભારતની એકતાના ચાર મજબૂત આધારસ્તંભ છે: પ્રથમ, સાંસ્કૃતિક એકતા, જે હજારો વર્ષોથી રાજકીય પરિસ્થિતિઓથી અલગ ભારતને એક ચેતના રાષ્ટ્ર બનાવે છે.

 

ભારતની એકતાનો બીજો સ્તંભ ભાષાની એકતા છે, જ્યાં સેંકડો ભાષાઓ અને બોલીઓ દેશની ખુમારી, રચનાત્મક વિચારસરણી અને વિવિધતાનું જીવંત પ્રતીક છે. કોઈ સમાજ, સત્તા કે સંપ્રદાયે ક્યારેય ભાષાને હથિયાર બનાવીને એકને થોપવાનો પ્રયાસ કર્યો નથી.

 

રાષ્ટ્રીય એકતાનો ત્રીજો સ્તંભ ભેદભાવમુક્ત વિકાસ છે, ગરીબી અને ભેદભાવ સામાજિક તાણાવાણાની સૌથી મોટી નબળાઈ છે. સરદાર પટેલ ગરીબી વિરુદ્ધ દીર્ઘકાલીન યોજના પર કામ કરવા માગતા હતા અને કહેતા કે જો આઝાદી 10 વર્ષ વહેલી મળી હોત, તો 1947 સુધીમાં ભારત અન્ન સમસ્યાના સંકટથી મુક્ત થઈ ગયું હોત. તેમણે રજવાડા વિલીનીકરણ જેવા પડકારને ઉકેલ્યા તેમ અન્નની અછતના પડકારને પણ હલ કર્યા હોત. આ સરકારે તેમના અધૂરા સંકલ્પને પૂરો કરીને એક દાયકામાં ૨૫ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે.

એકતાનો ચોથો અને અંતિમ સ્તંભ કનેક્ટિવિટી – દિલોનું જોડાણ છે, જે આધુનિક ભારતને વિશ્વના કેન્દ્રમાં લાવી રહ્યો છે. રેકોર્ડ હાઈવે-એક્સપ્રેસવે, વંદે ભારત અને નમો ભારત જેવી ટ્રેનો દ્વારા રેલને ટ્રાન્સફોર્મ કરી, નાના શહેરોને એરપોર્ટ્સથી જોડીને ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ સુધીના અંતરો ઘટાડ્યા છે.

 

આ પ્રસંગે વડાપ્રધાનએ કહ્યું કે, સરદાર પટેલ ઇતિહાસ લખવામાં સમય વેડફવા કરતા ઇતિહાસ બનાવવા માટે મહેનત કરવાના હિમાયતી હતા. જેમણે નીતિઓ અને નિર્ણયો દ્વારા આઝાદી પછી ૫૫૦થી વધુ રજવાડાઓને એકસૂત્રે બાંધી દેશને એક બનાવ્યો હતો. ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નો વિચાર તેમના માટે સર્વોપરી હતો. કેન્દ્ર સરકારની કાર્યનીતિમાં ભારતની એકતા-અખંડિતતાનો આ વિચાર મુખ્ય સ્થાને છે.

 

કોંગ્રેસ ઉપર કર્યા પ્રહાર અને કહ્યું કે કોંગ્રેસે સરદાર પટેલના એક ભારતના વિઝનને ભૂલાવી દીધું હતું, કોંગ્રેસના કારણે કાશ્મીરનો એક ભાગ પાકિસ્તાન પાસે ગયો આર્ટિકલ 370ની બેડીઓ તોડી કાશ્મીરને સંપૂર્ણપણે મુખ્ય પ્રવાહ સાથે જોડવામાં આવ્યું છે, જેના કારણે પાકિસ્તાન અને આતંકના આકાઓને ભારતની અસલી તાકાતની સાચી ઓળખ થઈ છે. ‘ઓપરેશન સિંદૂર’ એ સમગ્ર વિશ્વને બતાવ્યું કે જો કોઈ ભારત ઉપર આંખ ઊંચી કરશે, તો ભારત તેનો જડબાતોડ જવાબ આપશે. દરેક વખતે પહેલા કરતા મોટો, વધુ નિર્ણાયક જવાબ આપે છે. આ લોહપુરુષ સરદાર પટેલનું ભારત છે, જે પોતાની સુરક્ષા અને સન્માન સાથે ક્યારેય સમજૂતી કરતું નથી.

 

રાષ્ટ્રીય સુરક્ષાના ક્ષેત્રે છેલ્લા ૧૧ વર્ષમાં ભારતની સૌથી મોટી સફળતા નક્સલવાદ-માઓવાદી આતંકની કમર તોડવાની છે, તેમ જણાવતાં વડાપ્રધાનએ ઉમેર્યું હતુ કે, 2014 પહેલાં દેશની અંદર નક્સલીઓ પોતાની હકૂમત ચલાવતા, બંધારણનું પાલન થતું નહોતું, પોલીસ-પ્રશાસન લાચાર દેખાતું, રસ્તાઓ-સ્કૂલો-હોસ્પિટલો પર હુમલા થતા અને નવા ફરમાન જારી થતા. પરંતુ આ સરકારે તેના ઉપર પ્રચંડ પ્રહાર કર્યા, અર્બન નક્સલીઓ અને તેમના સમર્થકોને જડબાતોડ જવાબ આપ્યો, વૈચારિક લડાઈ જીતી અને નક્સલી વિસ્તારોમાં જઈને તેને મ્હાત આપી.

 

Back to top button
error: Content is protected !!