AHAVADANGGUJARAT

ડાંગમાં દેશભક્તિનો માહોલઃ માહિતી કચેરી સહિત સરકારી પરિસરો તિરંગાથી શોભી ઉઠ્યાં

વાત્સલ્યમ સમાચાર

      મદન વૈષ્ણવ

ભારત સરકારના ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત દેશભરમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે ગૌરવ અને દેશભક્તિની ભાવના વધુ પ્રબળ બને તે માટે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે ડાંગ જિલ્લામાં પણ સરકારી કચેરીઓ, સરકારી આવાસો અને જાહેર સ્થળોએ તિરંગો લહેરાવીને અભિયાનને જનઆંદોલનનું સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે.

આહવા સ્થિત PWD કોલોની ખાતે આવેલી કાર્યકારી જિલ્લા માહિતી કચેરી તથા સરકારી પરિસરોમાં તિરંગા ધ્વજ લગાવવામાં આવ્યા છે. કચેરી પરિસર તેમજ આસપાસના સરકારી આવાસોના પ્રવેશદ્વાર અને માર્ગની બંને બાજુ તિરંગા લહેરાતા આસપાસનું વાતાવરણ પણ દેશભક્તિના રંગે રંગાયુ છે.

ચોમાસાની હરિયાળી વચ્ચે લહેરાતા રાષ્ટ્રધ્વજોએ આહવાના કુદરતી સૌંદર્યમાં દેશભક્તિનો અનોખો રંગ ઉમેર્યો છે. સરકારી કચેરીઓ અને કર્મચારી આવાસોમાં તિરંગો ફરકાવવાથી અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સ્થાનિક નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને વધુ વેગ મળ્યો છે.

‘હર ઘર તિરંગા’ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય દરેક નાગરિકના હૃદયમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન અને ગૌરવની લાગણી કેળવવાનો છે. ડાંગ જિલ્લામાં પણ આ અભિયાનમાં વધુમાં વધુ નાગરિકો જોડાઈને પોતાના ઘર, કચેરી અને સંસ્થાઓ પર તિરંગો ફરકાવે અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને ઉજાગર કરે તેવો સંદેશ આપવામાં આવી રહ્યો છે.

Back to top button
error: Content is protected !!