GODHARAGUJARATPANCHMAHAL

પંચમહાલ જિલ્લામાં મધ્યાહન ભોજન કર્મીઓના મોરચા દ્વારા  કલેક્ટરને આવેદનપત્ર

માસિક ₹૩૦,૦૦૦ વેતન અને શાળા પોષણ સહાયકના દરજ્જા સહિત વીમા કવચની માંગ સાથે મુખ્યમંત્રીને રજૂઆત

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

પીએમ પોષણશક્તિ નિર્માણ (મધ્યાહન ભોજન) યોજનાના કર્મચારીઓએ તેમની પડતર માંગણીઓના ઉકેલ માટે ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ પંચમહાલ જિલ્લા કલેક્ટર કચેરીએ પ્રદર્શન કરી આવેદનપત્ર પાઠવ્યું હતું. કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને કરાયેલી આ રજૂઆતમાં કર્મચારીઓને લઘુત્તમ વેતન ધારા હેઠળ આવરી લઈને માસિક ₹૩૦,૦૦૦ વેતન આપવાની મુખ્ય માંગ કરાઈ હતી.

 

આવેદનપત્રમાં જણાવાયું છે કે, અગાઉ માત્ર એક સમયના ભોજન માટે નિમાયેલા આશરે ૨૮,૦૦૦ સંચાલકો હાલમાં ચાર-ચાર પોષણ યોજનાઓ સંભાળી રહ્યા છે. વધેલા કાર્યભારને જોતાં તેમની જગ્યા અપગ્રેડ કરી તેમને શાળા પોષણ સહાયક જાહેર કરવા જોઈએ. ઉપરાંત, ભોજન બનાવવાની કામગીરીમાં રહેલા અગ્નિના જોખમને ધ્યાનમાં રાખીને કર્મચારીઓ માટે જૂથ વીમા યોજના લાગુ કરવા અને કોઈ દુર્ઘટના બને તો પીડિત પરિવારને મુખ્યમંત્રી સહાય યોજનામાંથી ₹૪,૦૦,૦૦૦ની આર્થિક મદદ આપવા ભાર મુકાયો છે.

 

અન્ય માંગણીઓમાં નિવૃત્તિ વય ૬૨ વર્ષ બાદ દર બે વર્ષે તબીબી પ્રમાણપત્રના આધારે સેવા ચાલુ રાખવા તમામ રસોઈયાઓને સામાજિક સુરક્ષા કવચ આપવા અને પ્રત્યેક શાળાના રસોડા માટે સ્વચ્છતા કીટ ફાળવવાનો સમાવેશ થાય છે. આ રેલીમાં આશાબેન ચૌહાણ અને દિગપાલસિંહ ચાવડા સહિતના અનેક કાર્યકર્તાઓ અને બહેનો હાજર રહ્યા હતા. રાજ્યના અંદાજે ૯૬,૦૦૦ કામદારોના હિતમાં સરકાર આ માંગણીઓ સત્વરે સ્વીકારે તેવી અપીલ કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!