હિંમતનગરના રાજેન્દ્રનગર ચોકડી સ્થિત સહયોગ કુષ્ઠ યજ્ઞ સંસ્થા ખાતે કલેક્ટરશ્રી લલિત નારાયણસિંગ સાંદુની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ અને નાગરિક સુવિધા કેમ્પ યોજાયો

હિંમતનગરના રાજેન્દ્રનગર ચોકડી સ્થિત સહયોગ કુષ્ઠ યજ્ઞ સંસ્થા ખાતે કલેક્ટરશ્રી લલિત નારાયણસિંગ સાંદુની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ અને નાગરિક સુવિધા કેમ્પ યોજાયો
**
આ કેમ્પ દરમિયાન આશરે ૭૫૦ લાભાર્થીઓને સ્થળ ઉપર લાભ વિતરણ કરાયું
**
સાબરકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણસિંગ સાંદુની સૂચનાથી અને હિંમતનગર મામલતદારશ્રી રોનક પઢારીયા દ્વારા હિંમતનગરના રાજેન્દ્રનગર ચોકડી ખાતે આવેલ સહયોગ કુષ્ઠ યજ્ઞ સંસ્થા ખાતે નાગરિક સુવિધા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પ અંતર્ગત જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણસિંગ સાંદુની ઉપસ્થિતિમાં સંસ્થાના પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણ બાદ કલેક્ટરશ્રીએ સ્થળ પર જઈને ચાલી રહેલી કેમ્પની કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું અને ઉપસ્થિત ટીમ-અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
સંસ્થાના દર્દીઓ તથા જરૂરિયાતમંદોને સરકારી યોજનાઓનો સીધો લાભ મળી રહે તે હેતુથી છેલ્લા દસ દિવસથી ચાલતા આ કેમ્પ દરમિયાન રાશનકાર્ડ, આધારકાર્ડ, આવકના દાખલા, ઈ-શ્રમ કાર્ડ, એસ.ટી. બસ ફ્રી મુસાફરી પાસ/કાર્ડ, દિવ્યાંગતા પ્રમાણપત્ર અને હેલ્થ કાર્ડ વગેરે જેવી વિવિધ કલ્યાણકારી સુવિધાઓ સ્થળ પર જ પૂરી પાડવામાં આવી હતી.
આ દસ દિવસીય કેમ્પ દરમિયાન કુલ ૭૫૦ લાભાર્થીઓને સ્થળ પર જ વિવિધ સેવાઓ અને લાભો એનાયત કરવામાં આવ્યા હતા.
આ કેમ્પ હજુ આગળના સમયમાં પણ શરુ રહેશે.જેથી બાકી રહેલા તમામ દર્દીઓ અને જરૂરિયાતમંદો પણ સરકારી સેવાઓનો સરળતાથી લાભ મેળવી શકે.
કલેક્ટરશ્રીએ સંસ્થાની માનવસેવાકીય પ્રવૃત્તિઓની સરાહના કરી હતી અને અધિકારીઓ તેમજ કર્મચારીઓની કામગીરીને બિરદાવી હતી.
આ નાગરિક સુવિધા કેમ્પના સફળ આયોજન બદલ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી દીપક સુરેશભાઈ સોની તથા ઇન્દિરાબહેને સમગ્ર સરકારી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે તલાટી ઝરણાબહેન તેમજ વિવિધ અમલીકરણ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જયંતિ પરમાર સાબરકાંઠા




