GUJARATKUTCHMANDAVI

“સ્વચ્છ ગામ થકી સ્વચ્છ દેશ”ના સંકલ્પ સાથે કચ્છ જિલ્લામાં “પ્લાસ્ટિક મુક્ત ગ્રામ્ય દિવસ” ઉજવાયો

ગામના મુખ્ય રસ્તાઓ, જાહેર સ્થળોએ સફાઇ સાથે પ્લાસ્ટિકના કચરાને એકત્ર કરાયો, લોકોને પ્લાસ્ટીકની થેલી ન વાપરવા જાગૃત કરાયા.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી ,તા૦૯ જૂન : રાજ્યભરમાં “સ્વચ્છ ગામ થકી સ્વચ્છ જિલ્લા, સ્વચ્છ રાજ્ય અને સ્વચ્છ દેશ” ના સંકલ્પ સાથે સ્વચ્છતા સપ્તાહ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજરોજ ‘પ્લાસ્ટિક મુક્ત ગ્રામ્ય દિવસ (પ્લાસ્ટિક સફાઈ ઝુંબેશ) અંતર્ગત કચ્છ જિલ્લાના તાલુકાના ગામોમાં ખાતે “સ્વચ્છ ગામ થકી સ્વચ્છ દેશ”ના સંકલ્પ સાથે પ્લાસ્ટીક મુક્ત ગામ કરવા સફાઇ કામગીરી કરાઇ હતી. આ કાર્યક્રમ અંતર્ગત મોટા કાંડાગરા, ગઢશીશા, ખાવડા, ધાણેટી, ઘડુલી, કાઠડા, ભીમાસર, પ્રાગપર સહિતના ગામોની ગ્રામ પંચાયત, સામાજિક સંસ્થાઓ, તેમજ સ્થાનિક ગ્રામજનોના સહયોગથી ગામના મુખ્ય રસ્તાઓ, જાહેર સ્થળો, બજાર વિસ્તારોમાંથી તમામ પ્રકારના પ્લાસ્ટિક કચરાના નિકાલ માટે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ સાથે જ ગામોમાં વેપારીઓને સિંગલ યુઝ પ્લાસ્ટીકની થેલી ન રાખવા તેના વિકલ્પમાં કાપડની થેલી રાખવા સમજ અપાઇ હતી. ઉપરાંત કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગ્રામજનોને સ્વચ્છતા જાળવવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. ભચાઉ તાલુકાના ખારોઇમાં પ્લાસ્ટિક ન વાપરવા બાબતે ગામના વેપારીઓ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં ગ્રામ પંચાયત દ્વારા દુકાનદારોને સમજ આપવા સાથે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં દુકાનદારો દુકાનની બહાર જાહેર માર્ગ પર કચરો ફેંકશે તો પંચાયત દ્વારા રૂ.૫૦૦નો દંડ વસુલવામાં આવશે. જ્યારે કાઠડા ખાતે ગોબરગેસની વિસ્તૃત ચર્ચા સાથે ગોબરગેસ પ્લાન્ટથી થતાં ફાયદા અંગે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પદાધિકારીઓ, સરપંચ, ઉપસરપંચ, આગેવાનો, તલાટી ઓ તથા મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા.

Back to top button
error: Content is protected !!