GUJARATTHARADVAV-THARAD

ઓનલાઈન ડેટા એન્ટ્રીનો વિરોધ: આશા વર્કરોનો થરાદ કલેક્ટર કચેરીએ પ્રદર્શન

વાવ-થરાદ જિલ્લાના તમામ તાલુકાની આશા બહેનો થરાદ પોસ્ટ ઓફિસે એકત્ર, મુખ્યમંત્રીને પોસ્ટકાર્ડ મારફતે રજૂઆત

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

 

વાવ–થરાદ જિલ્લાના તમામ તાલુકાની આશા હેલ્થ વર્કર બહેનો થરાદ ખાતે પોસ્ટ ઓફિસ પર એકત્ર થઈ ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધી પોસ્ટકાર્ડ મારફતે રજૂઆત કરી હતી. આશાવર્કરો દ્વારા આરોગ્ય વિભાગના ઓનલાઈન ડેટા એન્ટ્રીના આદેશ સામે ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

રજૂઆતમાં જણાવાયું હતું કે ગુજરાતભરમાં આરોગ્ય સેવાઓની રીઢ સમાન ગણાતી આશાવર્કરો પાસેથી હવે તેમની મૂળ કામગીરી સિવાય ઓનલાઈન ડેટા એન્ટ્રી કરાવવાના આદેશ આપવામાં આવ્યા છે, જેને લઈ આશાવર્કર બહેનોમાં ભારે અસંતોષ ફેલાયો છે. એક તરફ સરકાર આશાવર્કરોને સ્વૈચ્છિક કાર્યકર ગણાવે છે, જ્યારે બીજી તરફ કાયમી કર્મચારીઓ જેટલો બોજો તેમના પર નાખવામાં આવી રહ્યો છે.

**કોરોનામાં જીવ જોખમે ફરજ, છતાં સન્માન નહીં**

આશાવર્કરો વર્ષોથી પોલિયો મુક્તિ, કુપોષણ નિવારણ, માતા અને બાળકના મૃત્યુદર ઘટાડવા જેવી અતિ મહત્વપૂર્ણ કામગીરી નિષ્ઠાપૂર્વક કરી રહી છે. કોરોના જેવી મહામારી દરમિયાન પણ જીવના જોખમે સેવા આપનાર આશાવર્કરોને સન્માન આપવાની જગ્યાએ નજીવું ઇન્સેન્ટીવ આપવામાં આવે છે, જ્યારે લઘુત્તમ વેતનની માંગ વર્ષોથી પડતર હોવાનું રજૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

**ટેકો પોર્ટલમાં એન્ટ્રી ન કરો તો ઇન્સેન્ટીવ નહીં**

હોમ બેઝડ ન્યુબોર્ન કેર (HBNC) અને હોમ બેઝડ કેર ફોર યંગ ચાઈલ્ડ (HBYC) અંતર્ગત કરાયેલી કામગીરીની ઓનલાઈન ડેટા એન્ટ્રી ટેકો પોર્ટલમાં ફરજિયાત કરવામાં આવી છે. આશાવર્કરોનો આરોપ છે કે જો ઓનલાઈન એન્ટ્રી નહીં કરે તો ઇન્સેન્ટીવ ચૂકવવામાં નહીં આવે તેવી ધમકી આપવામાં આવી રહી છે.

**ગરીબ બહેનો પાસે સ્માર્ટફોન અને નેટવર્ક ક્યાંથી?**

આશાવર્કરોનું કહેવું છે કે મોટાભાગની બહેનો આર્થિક રીતે નબળી છે અને ઘર ચલાવવું પણ મુશ્કેલ છે. આવી સ્થિતિમાં મોંઘા સ્માર્ટફોન અને સતત ડેટા રીચાર્જની અપેક્ષા રાખવી અયોગ્ય છે. અનેક આશાવર્કરો અંતરિયાળ વિસ્તારોમાં કામગીરી કરે છે, જ્યાં નેટવર્કની સુવિધા પણ પૂરતી નથી.

**જન આરોગ્યને પડશે અસર**

ઓનલાઈન ડેટા એન્ટ્રીનો વધારાનો ભાર મૂકવાથી આશાવર્કરોની મૂળ આરોગ્ય સેવાઓ પ્રભાવિત થશે, જેના કારણે જનતાના આરોગ્યને નુકસાન પહોંચી શકે છે. તેમ છતાં આવા આદેશો આપી આશાવર્કરોને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હોવાનો આરોપ પણ કરવામાં આવ્યો છે.

આશાવર્કર બહેનોએ ચેતવણી આપી છે કે જો ટેકો પોર્ટલમાં ઓનલાઈન ડેટા એન્ટ્રી સંબંધિત આદેશો તાત્કાલિક પરત નહીં ખેંચાય, તો તેઓ HBNC અને HBYC જેવી મહત્વપૂર્ણ કામગીરી બંધ કરવા મજબૂર બનશે. જેના કારણે બાળકોના આરોગ્યને થનાર નુકસાનની સંપૂર્ણ જવાબદારી સરકાર અને સંબંધિત અધિકારીઓની રહેશે

Back to top button
error: Content is protected !!