GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજકોટથી હર ઘર તિરંગા યાત્રા પ્રસ્થાન કરાવશે

તા.૭/૮/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

શહેરમાં બે કિલોમીટરની યાત્રા યોજાશે, જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાઇ અધિકારીઓની બેઠક

Rajkot: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગામી તા. ૧૦ ઓગસ્ટના રોજ રાજકોટ ખાતેથી ‘તિરંગાની આન, બાન અને શાન’ થીમ સાથે હર ઘર તિરંગા યાત્રા પ્રારંભ કરાવશે. કલેક્ટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષ સ્થાને ‘હર ઘર તિરંગા’ યાત્રાના આયોજન સંદર્ભે જિલ્લા સેવા સદન સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી.

સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે યોજાનાર હર ઘર તિરંગા યાત્રામા દેશવાસીઓ દેશભક્તિના રંગે રંગાશે. ત્યારે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજકોટ ખાતેથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવશે તેમ જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું.

આ તકે જિલ્લા કલેક્ટરશ્રીએ અધિકારીઓને જણાવ્યું હતું કે, સમગ્ર જિલ્લામાં પણ આગામી તા. ૧૦ ઓગસ્ટથી તા. ૧૪ ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા યાત્રા યોજાશે. જેથી લોકોમાં દેશભક્તિ અને રાષ્ટ્રભાવના વિકસે તે પ્રકારે માહોલ બનાવવા આયોજન કરવું, જુદી જુદી કચેરીઓએ ટેબ્લોનું નિદર્શન કરવું, ગ્રામ્ય, તાલુકા તથા શહેરી વિસ્તારમાં વોર્ડ મુજબ ટીમવર્ક સાથે કામગીરી કરી વધુને વધુ લોકો આ પર્વમાં જોડાઈ તે માટે કાર્યરત રહેવા અધિકારીઓને કલેક્ટરશ્રીએ સૂચના આપી હતી.

જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ યાત્રા અંતર્ગત લોકો પોતાના ઘરે તિરંગો લહેરાવે, જીઆઇડીસી વિસ્તાર, સહકારી મંડળીઓ, તમામ દુકાન ધારકો, વેપારીઓ, સ્કૂલ, કોલેજો, યુનિવર્સિટી, વિવિધ સંસ્થાઓ સહિત સમગ્ર જિલ્લાવાસીઓ હર ઘર તિરંગા યાત્રામાં જોડાઈને પોતાના ઘર તથા કામના સ્થળે તિરંગો લહેરાવે તેવી અપીલ પણ કલેક્ટરશ્રીએ કરી હતી. તિરંગાની સાઈઝ તથા કાપડ ફ્લેગકોડ મુજબ હોવું જોઈએ તેમ કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું.

આ તકે વિડિયો કોન્ફરન્સથી જોડાયેલા પ્રાંત અધિકારીઓ સહિતના વિવિધ વિભાગના અધિકારીશ્રીઓને કલેકટરશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું.

નિવાસી અધિક કલેક્ટરશ્રી ચેતન ગાંધીએ બેઠકનું સંચાલન કર્યું હતું. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવનાથ ગવહાણે સહિત પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, વિવિધ સંસ્થાનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૪ |કિડની પથરી અને પ્રોસ્ટેટ થી કઈ રીતે બચવું ? | Urology |Dr. Keyur Patel

[wptube id="1252022"]
Back to top button