Rajkot: સિવિલ હોસ્પિટલની સિદ્ધિ : ચાર માસની બાળકીની ઓવેરિયન સિસ્ટની સફળ લેપ્રોસ્કોપિક સર્જરી

તા.૮/૭/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
આલેખન : રાજકુમાર
અત્યાધુનિક લેપ્રોસ્કોપિક મશીનની મદદથી માત્ર ૩ એમ.એમ.ના કાપ દ્વારા બંને અન્ન પિંડ પરની ગાંઠની જટિલ સર્જરી બાદ બાળકી સંપૂર્ણ સ્વસ્થ
Rajkot: સરકારી હોસ્પિટલમાં દર્દીઓને ખાનગી હોસ્પિટલથી પણ વિશેષ સારવાર અને સુવિધાઓ મળી રહી છે. જેમાંની એક હોસ્પિટલ એટલે રાજકોટની ઝનાના હોસ્પિટલ, જ્યાં અત્યાધુનિક લેપ્રોસ્કોપી મશીન દ્વારા જટિલ સર્જરી કરીને વિવિધ બીમારીઓનું નિદાન કરવામાં આવી રહ્યું છે.

ટેકનોલોજી અને અનુભવના સમન્વય સાથે બાળ સર્જરી વિભાગના પ્રોફેસર ડૉ. જયદીપ ગણાત્રા અને તેમની ટીમે માત્ર ચાર મહિનાની બાળકીની અત્યંત જટિલ લેપ્રોસ્કોપિક સર્જરી સફળતાપૂર્વક કરીને બાળકને નવું જીવન આપ્યું છે.
આ સર્જરી અંગે માહિતી આપતા ડો.ગણાત્રા એ જણાવ્યું હતું કે, માતાની ગર્ભાવસ્થા દરમિયાન કરવામાં આવેલી સોનોગ્રાફીમાં બાળક અંશીના પેટમાં ગાંઠ હોવાનું નિદાન થયું હતું. નિષ્ણાત દ્વારા કરાયેલી તપાસમાં અન્ન પીંડમાં બંને તરફ ગાંઠ કે જે ઓવેરિયન સિસ્ટ (Ovarian Cyst) હોવાનું જાણવા મળ્યું હતું. આ પ્રકારની ગાંઠમાં પ્રવાહી ભરાયેલુ હોય છે. ગાંઠ મોટી હોય અથવા જટિલતા સર્જાય ત્યારે સર્જરી અનિવાર્ય બની જાય છે.
ડૉ. જયદીપ ગણાત્રા અને તેમની ટીમે માત્ર ત્રણ એમ.એમ.ના કાપ દ્વારા લેપ્રોસ્કોપિક પાર્શિયલ એક્સિઝન ઓફ બાયલેટરલ ઓવેરિયન સિસ્ટની અત્યંત પડકારજનક સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. આ પ્રકારની સર્જરીમાં બાળકને ઓછી તકલીફ થાય છે. સર્જરી બાદ બાળક માત્ર ત્રણ દિવસમાં માતાનું દૂધ પીવા લાગ્યું હતું. હાલ બાળક સંપૂર્ણ સ્વસ્થ છે. વધુમાં આ ગાંઠની સફળ સર્જરીથી બાળકી મોટી થતા ભવિષ્યમાં ફર્ટિલિટીની કોઈ તકલીફ નહીં રહે તેમ આનંદ સાથે ડો. ગણાત્રાએ જણાવ્યું હતું.
આ પ્રકારની સર્જરીમાં અનુભવી સર્જિકલ ટીમ, કુશળ એનેસ્થેશિયા, આધુનિક ઓપરેશન થિયેટર, લેપ્રોસ્કોપિક સાધનો અને સુવિધાઓના કારણે સરકારી હોસ્પિટલમાં પણ વિશ્વસ્તરીય સર્જરી શક્ય બની રહી હોવાનો ડૉ. ગણાત્રાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ સફળ સર્જરીમાં ઓ.ટી.ઇન્ચાર્જ શ્રી દાદાબેન ગજેરા, સિનિયર સ્ટાફના શ્રી ભાર્ગવ માધવ, સ્ટાફ નર્સ શ્રી રિતિકા રાઠોડ તેમજ એનેસ્થેટિસ્ટ ડૉ. મયુર એ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
હોસ્પિટલના સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. મોનાલી માકડિયાના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ પી.ડી.યુ. સરકારી હોસ્પિટલ અને મધર એન્ડ ચાઇલ્ડ હોસ્પિટલમાં સતત અદ્યતન અને જટિલ સર્જરીઓ સફળતાપૂર્વક કરવામાં આવી રહી છે. સમગ્ર હોસ્પિટલ દર્દી કેન્દ્રિત, ગુણવત્તાસભર અને આધુનિક આરોગ્ય સેવાઓ પૂરી પાડી રહી છે, જેના કારણે પી.ડી.યુ. હોસ્પિટલ સમગ્ર સૌરાષ્ટ્ર માટે વિશ્વાસનું કેન્દ્ર બની છે.
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આરોગ્ય વિભાગ દ્વારા સરકારી હોસ્પિટલમાં ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં લાખો રૂપિયાના ખર્ચે મળતી અદ્યતન સારવાર સંપૂર્ણપણે નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જેના કારણે સામાન્ય પરિવારોને ઉચ્ચ કક્ષાની સારવારનો લાભ કોઈપણ આર્થિક બોજ વિના મળી રહ્યો છે.



