Rajkot: “સુપોષિત ગુજરાત” રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળની દુકાનોમાં ડબલ ફોર્ટીફાઈડ મીઠું અને ફોર્ટીફાઈડ ચોખા ઉપલબ્ધ
તા.૨૮/૩/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
કલેકટર કચેરી ખાતે મીઠું અને ચોખામાં આયોડીન અને આયર્નની ચકાસણી કરાઈ
Rajkot: ડબલ ફોર્ટીફાઈડ મીઠું અને ફોર્ટીફાઈડ ચોખા અંગે લોકોમાં જાગૃતિ આવે તે હેતુસર રાજકોટ કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા પુરવઠા શાખા દ્વારા બેઠક યોજાઈ હતી.
લોકોમાં કુપોષણ અને એનેમિયા જેવા રોગોના નિવારણ અર્થે સરકારે અમલી બનાવેલા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૧૩ (NFSA) હેઠળ તમામ લાભાર્થીઓને વાજબી ભાવની દુકાનો દ્વારા કરાતી જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ડબલ ફોર્ટીફાઈડ મીઠું અને ફોર્ટીફાઈડ ચોખાનો આ જથ્થો આપવામાં આવે છે.
કલેકટરશ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને રાજકોટ શહેરમાં આવેલ વાજબી ભાવના દુકાનદારો સાથે લાભાર્થીઓમાં ડબલ ફોર્ટીફાઈડ મીઠું અને ફોર્ટીફાઈડ ચોખા બાબતે ગેર માન્યતા દુર થાય, તેના લાભોથી લાભાર્થીઓ પરિચિત થાય અને લાભાર્થીઓમાં જાગૃતિ લાવવા માટે ફૂડ ન્યુટ્રીશનના ડીવીઝનલ કો-ઓર્ડીનેટર શ્રી વિપુલ ઠાકરને સાથે રાખી ડબલ ફોર્ટીફાઈડ મીઠાંમાં આયોડિન અને આયર્ન તેમજ ફોર્ટીફાઈડ ચોખામાં આયર્નની હાજરી તપાસવામાં આવી હતી. ઉપરાંત, દૈનિક જીવનમાં ડબલ ફોર્ટીફાઈડ મીઠું અને ફોર્ટીફાઈડ ચોખાના વપરાશથી થતા ફાયદાઓ અંગે તમામ વાજબી ભાવના દુકાનદારોશ્રીને માહિતગાર કરી તાલીમ આપવામાં આવી હતી. જેથી લાભાર્થીઓમાં પણ જાગૃતિ આવે. ભારત સરકારશ્રી અને રાજ્ય સરકારશ્રીની કલ્યાણકારી યોજનાથી થતા લાભો છેવાડાના માનવી/લોકો સુધી પહોંચે અને લોકો સંપૂર્ણ પોષણ સાથેનું સ્વસ્થ જીવન જીવી શકે, ત્યારે જ ગુજરાત સરકારશ્રીનું “સુપોષિત ગુજરાત” અભિયાન સિદ્ધ થશે, આ માટે જિલ્લા પુરવઠા અધિકારીશ્રી રાજેશ્રી કે.વંગવાણી અને તેમની ટીમ દ્વારા અથાગ પ્રયાસ કરવામાં આવે છે. આ બેઠકમાં બહોળી સંખ્યામાં વાજબી ભાવના દુકાનદારોશ્રી ઉપસ્થિત રહ્યા હતા.