Rajkot: તમાકુ નિયંત્રણ કાર્યક્રમમાં અગ્રેસર કામગીરી બદલ રાજકોટ જિલ્લાને રાજ્યકક્ષાનો એવોર્ડ એનાયત
તા.૧૧/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
કેન્દ્ર સરકારના MIS-NTCP પોર્ટલ રિપોર્ટિંગમાં રાજકોટ જિલ્લો અવ્વલ રહ્યો
Rajkot: રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત કેન્દ્ર સરકારના M.I.S.- N.T.C.P. પોર્ટલના રિપોર્ટિંગમાં અગ્રેસર કામગીરી બદલ રાજકોટ જિલ્લાને રાજ્યકક્ષાનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. રાજ્ય તમાકુ નિયંત્રણ સેલ-ગાંધીનગર તથા ફેઈથ ફાઉન્ડેશન દ્વારા રાજકોટ જિલ્લાને આ એવોર્ડ એનાયત કરાયો છે.
રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ (N.T.C.P.) હેઠળ રાજકોટ જિલ્લામાં તમાકુ નિયંત્રણના પ્રયાસો ચાલી રહ્યા છે. જેમાં ઉત્કૃષ્ટ યોગદાન, વિવિધ કાર્યક્રમોના અસરકારક શ્રેષ્ઠ અમલ તથા સમર્પિત કામગીરી માટે જિલ્લાના કાઉન્સેલર શ્રી નરેશભાઈ ભૂતિયાને રાજ્યકક્ષાના અધિકારીઓની ઉપસ્થિતિમાં એવોર્ડથી બિરદાવાયા હતા.
નોંધનીય છે કે, રાજકોટ જિલ્લામાં વ્યસનમુક્તિ અંગે જાગૃતિ લાવવા દરેક તાલુકામાં જાહેર આરોગ્ય સંસ્થા ખાતે લોકોને વ્યસનમુક્તિના સંકલ્પો લેવડાવવામાં આવ્યા છે. તમાકુ નિયંત્રણ અધિનિયમ હેઠળ ૬૦ કેસો કરીને રૂપિયા ૯૨૩૦ના દંડની વસૂલાત કરવામાં આવી છે. આ સાથે જિલ્લાની તમામ ૧૦૮૭ શૈક્ષણિક સંસ્થાઓમાં ‘તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થા’ની અમલવારી કરાઈ છે. ઉપરાંત તાજેતરમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસે છેવાડાના માનવી સુધી વ્યસનમુક્તિ અંગેનો સંદેશો આપવા કલેક્ટર શ્રી પ્રભવ જોશી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદની દેખરેખ હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. આર. આર. ફુલમાલી અને એપેડેમિક મેડિકલ ઓફિસરશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી હતી. આગામી દિવસોમાં પણ દરેક વિભાગના અધિકારીશ્રીઓ, સામાજિક સંસ્થાઓ, અગ્રણીઓ અને લોકોને સાથે રાખી વ્યસનમુક્તિ અંગે વધુ સારી કામગીરી થઈ શકે તેવા પ્રયત્નો કરવામાં આવનાર હોવાનું જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ રાજકોટની યાદીમાં જણાવાયું છે.