GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ડૉ. ઓમપ્રકાશ (IAS)એ રાજકોટના ૫૧મા ક્લેક્ટર તરીકે ચાર્જ ગ્રહણ કર્યો

તા.૨૪/૬/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

છેવાડાના વિસ્તારના વંચિતો, ગરીબો સુધી સરકારી યોજનાના લાભો પહોંચે એ પ્રાથમિકતા

Rajkot; વર્ષ ૨૦૧૬ની બેચના આઈ.એ.એસ. ડૉ. ઓમપ્રકાશે આજે રાજકોટના ૫૧મા જિલ્લા ક્લેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે વિધિવત પદભાર સંભાળ્યો છે.

ડૉ. ઓમપ્રકાશ મૂળ રાજસ્થાનના બાડમેરના વતની છે અને એમ.બી.બી.એસ., ડી.પી.એચ.નો અભ્યાસ કરેલો છે. આ અગાઉ, તેઓ જુનાગઢ મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજરત હતા. તેમનો અગાઉના કાર્યકાળ જોઈએ તો તેઓએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર તરીકે દોઢ વર્ષ અને મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી તરીકે પોણા ત્રણ વર્ષ ફરજ બજાવી છે. રાજકોટ ગ્રામ્યના પ્રાંત અધિકારી તરીકે તેઓશ્રી ૮-૧૦-૨૦૧૮થી લઈને ૧૭-૧૨-૧૯ સુધી ફરજ બજાવી ચૂક્યા છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લામાં વિવિધ નાયબ કલેક્ટરના ચાર્જ પણ તેમણે વહન કર્યા છે. તેઓ ગીર સોમનાથ જિલ્લામાં પ્રોબેશનરી આઈ.એ.એસ. તરીકે રહી ચૂક્યા છે.

આજે સવારે પદભાર સંભાળતી વખતે તેમણે કહ્યું હતું કે, જિલ્લાના છેવાડાના વિસ્તારના વંચિતો, ગરીબો સુધી સરકારી યોજનાના લાભો સરળ રીતે પહોંચે એ પ્રાથમિકતા રહેશે. ગરીબ માણસોને એવી પ્રતીતિ થવી જોઈએ કે, સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર તેમના માટે કામ કરી રહ્યું છે. રાજકોટમાં અગાઉ કામ કરી ચૂક્યા હોવાથી આ અનુભવ જિલ્લાના વિકાસ અને વહીવટી કામગીરીમાં ખૂબ ઉપયોગી થશે એમ તેમણે ઉમેર્યું હતું.

આ સાથે તેમણે કહ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં તમામ ક્ષેત્રોમાં ખૂબ ક્ષમતાઓ છે. આરોગ્ય અને શિક્ષણની સાથે જિલ્લાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વિવિધ ક્ષેત્રોના વિકાસ પર ભાર મૂકવામાં આવશે.

તેમણે રાજકોટ જિલ્લાના વિકાસની સકારાત્મક બાબતોને લોકો સુધી પહોંચાડવામાં મીડિયાની ભૂમિકાને બિરદાવી હતી.

આ અવસરે નિવાસી અધિક કલેક્ટર શ્રી એ.કે. ગૌતમ, શહેર પ્રાંત-૧ અધિકારી સુશ્રી ચાંદની પરમાર, પ્રોબેશનરી આઈ.એ.એસ. વૃષાલી કાંબલે વગેરેએ નવા ક્લેક્ટરશ્રીનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. રાજકોટ પ્રાદેશિક કચેરીના સંયુક્ત માહિતી નિયામક શ્રી મિતેશ મોડાસિયાએ પણ આ તકે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. ઓમપ્રકાશની ઔપચારિક મુલાકાત લઈને શુભકામનાઓ પાઠવી હતી.

Back to top button
error: Content is protected !!