GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ શહેરમાં ચાંદીપુરાના આઠ નમૂનામાંથી પાંચ નેગેટિવ, એક પોઝિટિવઃ બે પેન્ડિંગ

તા.૩૦/૭/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ૧૪૦૦થી વધુ ઘરોમાં સર્વે

Rajkot: રાજકોટ મહાનગરમાં શંકાસ્પદ વાયરલ એનકેફેલાઈટીસ (ચાંદીપુરા)ની આશંકાએ કુલ આઠ સેમ્પલ પરીક્ષણ માટે લેવાયા હતા. મહાનગર પાલિકાની આરોગ્ય શાખાએ લીધેલા સેમ્પલ જી.બી.આર.સી. ગાંધીનગર ખાતે મોકલાયા હતા. જેમાંથી પાંચ દર્દીના રીપોર્ટ નેગેટીવ તેમજ એક દર્દીનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જયારે અન્ય બે દર્દીના રીઝલ્ટ પેન્ડિંગ છે.

રાજકોટમાં લેવાયેલા સેમ્પલો પૈકી રણછોડનગરનો બે વર્ષનો બાળક, રૈયા રોડની ચાર વર્ષની બાળકી, મવડીની છ વર્ષ વર્ષની બાળકી, કોઠારિયા રોડનો ચાર માસનો બાળક, મોટા મૌવામાં ૧૨ વર્ષની બાળકીના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે રૈયા રોડની આઠ વર્ષની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ છે. મોરબી રોડના ૩ વર્ષના બાળક તથા કાલાવડ રોડના ચાર વર્ષના બાળકનું રિઝલ્ટ પેન્ડિંગ છે.

મહત્ત્તવનું છે કે, આ વાઈરલને અટકાવવા માટે રાજકોટ મ.ન.પા.ની આરોગ્ય વિભાગની ટીમો દ્વારા જુદા જુદા વિસ્તારમાં કુલ ૧૩૪૬ જેટલા ઘરોમાં સર્વે કરવામાં આવ્યો છે. જેમાં કુલ ૭૬૩૨ જેટલી વસ્તી આવરી લેવામાં આવી છે. સર્વે દરમ્યાન કુલ ૧૬ જેટલા તાવના કેસ જોવા મળ્યા હતા. જે તમામને સ્થળ પર જ સારવાર આપવામાં આવી છે તેમજ અન્ય કોઈ ચાંદીપુરાના લક્ષણો ધરવતા કેસ જોવા મળ્યા નથી.

સર્વેની કામગીરી દરમ્યાન ૩૮૨૧ જેટલા ઘરોમાં મેલેથીઓન ડસ્ટીંગ કરવામાં આવ્યું છે. કુલ ૨૨ જેટલા ઘરોમાં મચ્છરના પોરા જોવા મળેલા તેમજ ૨૦૮ ઘરમાં ફોગિંગની કામગીરી કરવામાં આવી છે. સર્વેમાં ૧૮૨૪ જેટલા પાત્રોની તપાસ કરવામાં આવી છે. જે પૈકી ૨૫ જેટલા પાત્રોમાં પોરા મળી આવ્યા છે. જેમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી છે. આ દરમિયાન ૩૯૧ જેટલા ઘરોમાં સોર્સ રીડકશનની કામગીરી કરવામાં આવી છે. જ્યારે ૧૩૦ ઘરોના ૩૪૧ રૂમમાં ફોકલ સ્પ્રે (IRS)ની કામગીરી કરવામાં આવી છે, તેમ રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!