Rajkot: મુંજકા-૨ પ્રાથમિક શાળાનું સતત ત્રીજા વર્ષે શિષ્યવૃત્તિ પરીક્ષા તેમજ ખેલ મહાકુંભમાં શ્રેષ્ઠ પ્રદર્શન
તા.૨૮/૪/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
સરકારી શાળાના વિદ્યાર્થીઓની શિક્ષણ તેમજ ખેલકૂદમાં આગે કૂચ
Rajkot: મુંજકા-૨ પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓએ સતત ત્રીજા વર્ષે શિષ્યવૃત્તિ પરીક્ષા તેમજ ખેલ મહાકુંભમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં શિક્ષણ સમિતિના ચેરમેન, વાઇસ ચેરમેન, સહિતના અધિકારીઓએ શાળાને અભિનંદન પાઠવ્યા હતા.
વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે સાથે ખેલકૂદમાં પણ આગળ વધે, તે માટે રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે યોજનાબદ્ધ કામગીરી કરાઈ રહી છે.
ત્યારે મુંજકા-૨ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે સાથે રમત ગમતમાં પણ અગ્રેસર રહીને શાળાનું ગૌરવ વધારી રહ્યા છે.
શાળામાં અભ્યાસ કરતી ધોરણ-૮ ની વિદ્યાર્થિની ચારમી એન.એમ.એમ.એસ. પરીક્ષામાં સમગ્ર રાજકોટમાં બીજા ક્રમે આવી છે. ધો.૮ માં અભ્યાસ કરતી કિંજલ અને કોમલે ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષામાં ૬૦૦ મી. દોડ તેમજ ૧૫૦૦ મીટર દોડમાં પ્રથમ સ્થાન મેળવ્યા બાદ એન.એમ.એમ.એસ. પરીક્ષામાં પણ સારા માર્કસ સાથે પાસ થયા છે. ધોરણ-૫ માં લેવાનાર CET શિષ્યવૃત્તિ પરીક્ષામાં ૫ બાળકોએ ઉચ્ચ ગુણ સાથે મેરીટમા સ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે.
શાળાની ઉપલબ્ધિ બદલ શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી વિક્રમભાઈ પૂજારાએ શાળામાં રમતગમતને લગતી તમામ માળખાગત સુવિધા ઉભી કરવામાં આવશે, તેમ કહ્યું હતુ.
વાઇસ ચેરમેનશ્રી પ્રવિણભાઇ નિમાવતે કહ્યું કે, સરકારી શાળા બાળકોના સર્વાંગી વિકાસ માટે ઉત્તમ કામ કરી રહી છે
રમત ગમત માટે શાળામાં સ્પેશિયલ કોચની નિમણૂક કરાઈ છે. ધોરણ-૮ ના બાળકોને નિઃશુલ્ક ટેબલેટ વિતરણ અરવિંદ મણિયાર ટ્રસ્ટની મદદથી કરાયા છે, આ ટેબલેટ્સ દ્વારા વિદ્યાર્થીઓ દરેક વિષયના વિડીયો જોઈ શિક્ષણ મેળવે છે. ટેબલેટમાં સોશિયલ મીડિયા તેમજ મોબાઈલ ગેમ્સને લગતી કોઈપણ અન્ય પ્રવૃત્તિ ન થઈ શકે તેવી વ્યવસ્થા કરાઈ છે.
આમ, સરકારી શાળાના વિદ્યાર્થીઓએ શિક્ષણ તેમજ ખેલકૂદમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કર્યું છે.