Rajkot: “રાષ્ટ્રીય વયો શ્રી” યોજના બની વૃદ્ધોનો સહારો” વૃદ્ધાવસ્થાના કપરા પડાવમાં સરકારના સથવારે ગર્વભેર ડગ માંડતા રાજકોટ જિલ્લાના વૃદ્ધો
તા.૨૩/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
આલેખન : ડો.દિવ્યા ત્રિવેદી
વ્હીલચેર અને સ્ટીકની સહાય મળતા મને ઘડપણમાં સથવારો મળ્યો છે – લાભાર્થી માસૂબેન ધાંધલ
ભારત સરકાર અબાલ વૃદ્ધ સૌ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ દ્વારા સહાયક બની રહી છે, ત્યારે દેશના વરિષ્ઠ નાગરિકો એવા વૃદ્ધોને અવસ્થાને કારણે થતી શારીરિક તકલીફોમાં “રાષ્ટ્રીય વયો શ્રી” યોજના આજે આશીર્વાદરૂપ બની છે.
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય હેઠળની “રાષ્ટ્રીય વયો શ્રી યોજના”માં બી.પી.એલ. કેટેગરીના વરિષ્ઠ નાગરિકો માટે શારીરિક સહાય અને સહાયક ઉપકરણો પ્રદાન કરવામાં આવે છે. આ કેન્દ્રીય ક્ષેત્રની યોજનામાં સંપૂર્ણપણે કેન્દ્ર સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. યોજનાના અમલીકરણ માટેનો ખર્ચ “વરિષ્ઠ નાગરિક કલ્યાણ નિધિ”માંથી કરવામાં આવે છે. આ યોજનાની એકમાત્ર અમલીકરણ એજન્સી આર્ટિફિશિયલ લિમ્બ્સ મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન (ALIMCO) છે, જે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય હેઠળની સહાયક સંસ્થા છે.
આ યોજના હેઠળ પ્રથમ તબક્કામાં રાષ્ટ્રીય કક્ષાએ ૧૩૫ જિલ્લાઓની પસંદગી કરવામાં આવી હતી, ત્યારબાદ અન્ય જિલ્લાઓને નવા તબકકામાં સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય કક્ષાએ આ યોજના અંતર્ગત હાલ સુધીમાં ૧,૪૫,૩૬૧ પુરુષો,૧,૨૨, ૪૧૯ સ્ત્રીઓ અને ૧૦૨ અન્ય જાતિના એમ કુલ ૨,૬૭,૮૮૨ વૃદ્ધોને સહાય આપવામાં આવી છે, જેમાં ગુજરાતમાંથી ૨,૬૮૨ પુરુષો, ૧,૯૯૯ સ્ત્રીઓ અને ૩ અન્ય જાતિ એમ કુલ ૪,૬૮૪ લાભાર્થીઓને વિવિધ ઉપકરણો એનાયત કરાયા છે.
હાલમાં, “રાષ્ટ્રીય વયો શ્રી” યોજનાના અમલીકરણ માટે કુલ ૩૨૫ જિલ્લાઓની પસંદગી કરવામાં આવી છે.જેમાં રાજકોટ જિલ્લાનો સમાવેશ થતા તા. ૧૭ મેના રોજ જેતપુર તાલુકાના મેવાસા ખાતેથી રાષ્ટ્રીય વયોશ્રી યોજના (RVY) અંતર્ગત ૩૬ વૃદ્ધોને રૂ. ૨,૫૮,૧૯૨ના સહાયક ઉપકરણો એનાયત કરી જિલ્લા કક્ષાએ આ યોજનાના કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ યોજનાના લાભાર્થી મેવાસા નજીકના ચાંપરાજપર ગામના ૭૦ વર્ષીય માસૂબેન ધાંધલે કહ્યું હતું કે, “આજે સરકાર દ્વારા મને મળેલી આ વસ્તુઓથી મારા જીવનમાં નવી આશા જાગી છે, આ યોજનામાં વ્હીલચેર અને સ્ટીકની સહાય મળતા મને ઘડપણમાં સથવારો મળ્યો છે જે માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીનો ખૂબ ખૂબ આભાર માનું છું.
ઉલ્લેખનીય છે કે, ૬૦ વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને નિ:શુલ્ક જીવન સહાયક ભૌતિક ઉપકરણો જેવાં કે ચાલવાની લાકડીઓ, કોણીની કાખઘોડી, ત્રપાઈ/ક્વાડપોડ્સ, શ્રવણ સહાયક સાધનો, વ્હીલચેર, કૃત્રિમ દાંત, ચશ્મા વગેરે આપવામાં આવે છે. એક જ વ્યક્તિમાં એક કરતાં વધુ પ્રકારની અપંગતા કે તકલીફોનું નિદાન થાય તો, દરેક તકલીફ અનુસાર તેના નિવારણ માટેના સહાયક ઉપકરણો આપવામાં આવે છે.
પાત્રતા:
બી.પી.એલ શ્રેણીના વરિષ્ઠ નાગરિકો અને વય સંબંધિત કોઈપણ અપંગતા/અશક્તિ જેમ કે ઓછી દ્રષ્ટિ, શ્રવણશક્તિની ખામી, દાંતનું નુકશાન અને ગતિશીલ વિકલાંગતાથી પીડાતા લોકોને આવા સહાયિત-જીવંત ઉપકરણો પૂરા પાડવામાં આવશે. જે તેમના શારીરિક કાર્યોમાં લગભગ સામાન્યતા પુનઃસ્થાપિત કરી શકે છે, અને અપંગતા કે અશક્તિને દૂર કરી શકે છે. આ યોજનાથી દેશભરના તમામ વરિષ્ઠ નાગરિકોને વૃદ્ધાવસ્થામાં પણ માનભેર જીવન જીવવા મળશે.
આ યોજના અંતર્ગત કૃત્રિમ અંગો ઉત્પાદન નિગમ (ALIMCO) સહાયિત જીવનનિર્વાહ ઉપકરણોની એક વર્ષ માટે મફત જાળવણી કરશે. દરેક જિલ્લામાં રાજ્ય સરકારો કે કેન્દ્રશાસિત પ્રદેશમાં વહીવટીતંત્ર દ્વારા ડેપ્યુટી કમિશનર અથવા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતાવાળી સમિતિ દ્વારા લાભાર્થીઓની ઓળખ કરવામાં આવે છે, ત્યારબાદ ઉપકરણ વિતરણ કેમ્પ મોડમાં કરવામાં આવે છે. આ કેમ્પમાં શક્ય હોય ત્યાં સુધી, દરેક જિલ્લામાં ૩૦% લાભાર્થીઓ મહિલાઓ હોવી જરૂરી છે. આ યોજનાથી હવે વૃદ્ધો જીવનના કપરા પડાવમાં પણ સરકારના સથવારે ગર્વભેર ડગ માંડતાં થયા છે