Rajkot: રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી હવે કાર્ગો ફ્લાઈટ ઉડાન ભરી શકશે
તા.૭/૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ દ્વારા ગુડ્સ ડમ્પિંગ માટે અપાઈ મંજુરી
Rajkot: સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટ ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખુલ્લું મુકવામાં આવ્યા બાદ નિરંતર પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવામાં આવી રહ્યો છે. આગામી તા.૦૯ના રોજ અદ્યતન સુવિધા સાથેનું ટર્મિનલ ખુલ્લું મુકવા આવનાર છે, ત્યારે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હાલ ૧૦થી વધુ ડોમેસ્ટિક ફ્લાઈટ ઉડાન ભરે છે આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટનો પણ પ્રારંભ કરવામાં આવશે,
જેનો પ્રારંભ કાર્ગો ફ્લાઈટ્સ સાથે થઈ શકે છે. કારણ કે, એરપોર્ટ ડાયરેક્ટરશ્રીના જણાવ્યા મુજબ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ દ્વારા એરપોર્ટ ખાતે ઈમ્પોર્ટ અને એક્ષ્પોર્ટ થતાં ગુડ્સ લોડીંગ/ અનલોડીંગ માટે મંજુરી આપવામાં આવી છે. જેને લીધે આગામી સમયમાં રાજકોટથી ગુડ્સ વહન અર્થે આંતરરાષ્ટ્રીય કાર્ગો ફ્લાઈટ ઓપરેટ કરી શકવાના માર્ગ ખુલ્યા છે, જેને કારણે સમગ્ર સૌરાષ્ટ્રના ઉદ્યોગ જગત સાથે સંકળાયેલા લોકો માલસામાન દેશ પરદેશમાં વિમાન દ્વારા મોકલી શકશે.