GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટના સખી વન સ્ટોપ સેન્ટરે સુરતથી ઘર છોડી રાજકોટ આવેલી પરણિતાનું કાઉન્સેલીંગ કરીને પતિ સાથે રાજીખુશીથી સુરત પરત મોકલી

તા.૧૮/૬/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

ઘરકામની બાબતમાં પતિની વાતનું માઠું લાગી જતાં ઘરેથી નીકળી ગયા હતા

Rajkot: ઘણીવાર નાની અમથી ગેરસમજણ અને ક્રોધના કારણે સંબંધોના સેતુઓ તુટી જતા હોય છે. ત્યારે સખી વન સ્ટોપ સેન્ટરે ગેરસમજણ દૂર કરીને વિખુટા પડેલા અનેક પરિવારોને ફરીથી એક કરાવ્યા છે. આવા જ એક કિસ્સામાં રાજકોટના “સખી વન સ્ટોપ સેન્ટરે” સુરતના એક દંપતીના લગ્ન સંસારને તુટતા બચાવ્યો છે.

રાજકોટ સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા મળેલી માહિતી અનુસાર, અરજદાર મુળ સુરતના રહેવાસી છે. ૨૩ વર્ષીય મહિલા અરજદારના પાંચ માસ પહેલા જ બીજા લગ્ન થયા છે. પતિ હીરા ઘસવાનું કામ કરે છે. સંયુકત પરિવારમાં પરણિતાને સાસુ-સસરા પણ દીકરીની જેમ રાખતાં હતા. પરંતુ જ્યારથી ૨ માસનો ગર્ભ રહ્યો, ત્યારથી ઘરના સભ્યોનો વ્યવહાર બદલાઈ ગયો હતો.

અરજદારે જણાવ્યું હતું કે, નાદુરસ્ત તબિયતના કારણે મોડું ઉઠાતું હતું. ઘરકામ કરવા છતાં પણ પ્રશ્નો ઉભા થતાં હતા. તેમજ પાડોશીઓ દ્વારા પણ વાતો કરવામાં આવતી હતી કે, હું આખો દિવસ સુતી રહું છું. પાડોશીઓની વાતો પર વિશ્વાસ કરીને મારા પતિએ પણ મને પરોક્ષ રીતે દોષિત ઠેરવી હતી.

પરણિતાને પતિની વાતનું માઠું લાગતા ઘરેથી નીકળીને અમદાવાદ ચાલ્યા ગયા હતા અને ત્યાંથી રાજકોટ બસ સ્ટેશન પહોંચ્યા હતા. લોકોએ પરણિતાને બસ સ્ટેશન બેસેલાં જોઈને મદદ માટે પૂછ્યું હતું અને રાજકોટ સખી વન સ્ટોપ સેન્ટરનો સંપર્ક કરાવ્યો હતો. પરણિતાને પણ આશ્રય તથા કાઉન્સિલીંગની જરૂર જણાતાં સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય લીધો હતો.

રાજકોટ સખી વન સ્ટોપ સેન્ટરની ટીમે પરણિતાના પતિ અને સસરાને સુરતથી બોલાવીને આ બધી બાબતોની વિગતવાર ચર્ચા કરી હતી અને સમજણ આપતા પતિ-પત્ની વચ્ચેની સમસ્યાનું નિરાકરણ કરાવ્યું હતું. આમ, રાજકોટ સખી વન સ્ટોપ સેન્ટરે પરિવારના માળાને વિખેરાતા બચાવીને પરણિતાને પતિ સાથે રાજીખુશીથી સુરત પરત મોકલી હતી.

Back to top button
error: Content is protected !!