GUJARATSAYLASURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

સાયલા નજીકથી ગેરકાયદે વસવાટ કરતી બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ: રાજકોટ રેન્જ આઈજીની ટીમનો દરોડો

તા.17/08/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં અમદાવાદ-રાજકોટ હાઈવે પર સાયલા નજીકથી કોઈ પણ ભારતીય આધાર-પુરાવા વિના ગેરકાયદેસર રીતે વસવાટ કરતી એક બાંગ્લાદેશી મહિલાને રાજકોટ રેન્જ આઈજીની ટીમે ઝડપી પાડી છે. પકડાયેલી મહિલા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેને બાંગ્લાદેશ ડિપોર્ટ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા પોતાની ઓળખ છુપાવીને ગેરકાયદે વસવાટ કરતા પાકિસ્તાની અને બાંગ્લાદેશી નાગરિકોને શોધી કાઢવા ખાસ સૂચના આપવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત રેન્જ પીઆઈ અપૂર્વ પટેલની રાહબરી હેઠળ પીએસઆઈ પી.એન. મોરી, બી.સી. મીયાત્રા અને સી.એમ. કાંટેલીયા સહિતની ટીમ બાતમીદારો અને હ્યુમન સોર્સ દ્વારા તપાસ ચલાવી રહી હતી. દરમિયાન, સ્ટાફના યોગેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ફતેસંગ પરમાર અને દિલીપસિંહ સિધવને ચોક્કસ માહિતી મળી હતી કે સાયલા પોલીસ સ્ટેશન હદમાં આવેલ ગોસળ ગામની સીમમાં દેવનારાયણ ભોજનાલય ખાતે એક શંકાસ્પદ મહિલા હાજર છે. બાતમીના આધારે પોલીસે સાયલા પોલીસ મથકના મહિલા હેડ કોન્સ્ટેબલ ક્રિષ્નાબેન પટેલને સાથે રાખીને દરોડો પાડ્યો હતો. શંકાસ્પદ મહિલાની કડક પૂછપરછ કરતા તેણે પોતાનું નામ હસનેરા સમસુલહક્ક ગાજી રહે, બસતપુર, સરસા, બાંગ્લાદેશ હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસે ભારતીય નાગરિકતા કે વસવાટ અંગેના કાયદેસરના આધાર પુરાવા માંગતા તે રજૂ કરી શકી નહોતી. આથી ટીમે બાંગ્લાદેશી મહિલાને હસ્તગત કરી સાયલા પોલીસ સ્ટેશન સોંપી દીધી હતી. હાલ પોલીસ દ્વારા આગળની કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરી મહિલાને સ્વદેશ ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!