
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા, તા.18: કચ્છ જિલ્લાના જૈન સમાજ રત્ન સ્વ. તારાચંદભાઈ જગશીભાઈ છેડાની પ્રેરણાથી અને તેમના સુપુત્ર, સર્વ સેવા સંઘના વર્તમાન પ્રમુખ જીગરભાઈ છેડાના પ્રયાસોથી કચ્છના શિક્ષણ ક્ષેત્રે એક ઐતિહાસિક પહેલ થઈ છે. કચ્છ જિલ્લામાં અંદાજે 5,000 જેટલા શિક્ષકોની જગ્યાઓ ખાલી હોવાને કારણે શિક્ષણ પ્રણાલી પર ગંભીર અસર થઈ રહી છે, જ્યારે છેલ્લા બે વર્ષથી સરકારી ભરતી પ્રક્રિયા પણ અટકેલી છે ત્યારે આ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓના ભવિષ્યના હિતને ધ્યાનમાં રાખીને જીગરભાઈ છેડાએ ‘જ્ઞાન જ્યોતિ’ યોજના હેઠળ મુન્દ્રા તાલુકાની તમામ શાળાઓમાં 150 શિક્ષકોની નિમણુંક કરી છે, જેથી હવે ગામે ગામ શિક્ષણની જ્યોત પહોંચી શકશે.
આ યોજના અંતર્ગત સ્થાનિક યોગ્ય ઉમેદવારોને માસિક રૂપિયા 9,000નું માનદ વેતન આપીને સેવા લેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તાજેતરમાં યોજાયેલા કાર્યક્રમમાં નિમણૂક પત્રોનું વિતરણ થતાં ઉમેદવારોના ચહેરા પર ખુશીની લહેર સ્પષ્ટ જોઈ શકાતી હતી. આ કાર્યક્રમની સૌથી નોંધપાત્ર બાબત એ રહી કે કુલ 150 નિમણૂકમાંથી 141 ઓર્ડર તો દીકરીઓને આપવામાં આવ્યા હતા જે પવિત્ર શ્રાવણ માસમાં પુણ્યકારી કાર્ય સાથે સમાજસેવાનો અનોખું ઉદાહરણ પૂરું પાડે છે. સંસ્થાના પ્રમુખ જીગરભાઈ છેડાએ શિક્ષકોને એડવાન્સ પગાર આપવાની જાહેરાત કરતાં ઉપસ્થિત લોકોએ તાળીઓના ગડગડાટથી આ નિર્ણયને વધાવ્યો હતો. આ યોજનાને સફળ બનાવવા માટે પ્રોજેક્ટ કન્વીનર મૂરજીભાઈ કેશવભાઈ મીંઢાણી, મંત્રી મુકેશભાઈ કનકચંદ્રભાઈ ભટ્ટ, અને સહ-કન્વીનર ભાવેન્દ્રસિંહ શંભુસિંહ જાડેજા તથા હરેન્દ્રસિંહ વિજયસિંહ જાડેજાની ટીમે અનન્ય યોગદાન આપ્યું હતું.
કાર્યક્રમમાં રતાડીયા ગામની ત્રણ દીકરીઓને નિમણુંક પત્ર આપીને સન્માનિત કરવામાં આવી હતી. આ અવસરે સંસ્થાના પ્રમુખ જીગરભાઈ છેડા સાથે પૂર્વ નગરપાલિકા પ્રમુખ કિશોરસિંહ પરમાર, શેઠ આર.ડી. એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ ડાયાલાલભાઈ આહીર, પ્રકાશભાઈ પાટીદાર સહિતના અગ્રણી અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. જોકે, જેને શિક્ષણના ઉદ્ધારની મુખ્ય જવાબદારી છે તેવા ચૂંટાયેલા પદાધિકારીઓ અને અધિકારીઓની ઘેરહાજરી નોંધપાત્ર રહી હતી જે લોકોમાં ચર્ચાનો વિષય બની હતી.
ઇતિહાસ સાક્ષી છે કે કચ્છના કારમા દુકાળ સમયમાં શેઠ જગડુશાએ સમાજસેવાનો ઇતિહાસ રચ્યો હતો જયારે આજના વર્તમાન સમયમાં શિક્ષણની ગંભીર સમસ્યામાં જીગરભાઈ છેડાની આ પહેલ કચ્છના શિક્ષણ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. લોકો હવે માંગ કરી રહ્યા છે કે મુન્દ્રાની જેમ કચ્છના અન્ય નવ તાલુકાઓમાં પણ આવી પહેલ થાય, જેથી સમગ્ર જિલ્લામાં શિક્ષણની જ્યોત ઘર ઘર સુધી પહોંચે અને કોઈ પણ બાળક ભણવા માટે લાચાર ન રહે.




