Rajkot: વિશ્વ ઝામર દિવસ, સરકારી આંખની હોસ્પિટલ ખાતે ૧૫ માર્ચ સુધી યોજાઇ રહ્યા છે વિનામૂલ્યે ખાસ કેમ્પ
તા.૧૦/૩/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
આલેખન – જીતેન્દ્ર નિમાવત
૪૫ વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોએ ઝામરની તપાસ કરાવવી જરૂરી: ડૉ.હરેશ ગઢીયા
સમયસર નિદાન અને સારવાર દ્વારા ઝામરને અટકાવી શકાય છે – ડૉ. રાધિકા ગુપ્તા
Rajkot: જી.ટી.શેઠ સરકારી આંખની હોસ્પિટલ અને પી.ડી.યુ. મેડિકલ કોલેજ, રાજકોટ દ્વારા ૧૫ માર્ચ સુધી ‘‘વિશ્વ ઝામર દિવસ’’ની ઉજવણી કરાઈ રહી છે. જે અંતર્ગત “યુનિટી ફોર ગ્લુકોમા ફ્રી વર્લ્ડ” થીમ સાથે લોકોમાં ઝામર અંગેની જાગૃતિના કાર્યક્રમ અને વિનામૂલ્યે નિદાન કેમ્પ યોજાઇ રહ્યા છે.
જી.ટી.શેઠ સરકારી આંખની હોસ્પિટલ ખાતે વિભાગના વડા ડૉ. કમલ ડોડીયાના માર્ગદર્શનમાં ડોક્ટર્સની ટીમો દ્વારા ખાસ કેમ્પ યોજી દર્દીઓના આંખની તપાસ કરી ઝામરની વિસ્તારથી જાણકારી આપી પેમ્પલેટ વિતરણ કરવા સહિત માર્ગદર્શન અપાઈ રહ્યુ છે. ઉપરાંત વિનામૂલ્યે ઝામરની તપાસ, સારવાર અને ઓપરેશન થઈ રહ્યા છે.
‘‘વિશ્વ ઝામર દિવસ’’ નિર્મિતે અઠવાડિયા સુધી હોસ્પિટલમાં કેમ્પ યોજી લોકોને જાગૃત કરાઈ રહ્યા છે. જેમાં જણાવાયા મુજબ, ૪૫ વર્ષ પછી દરેક વ્યક્તિએ નજીકની સરકારી હોસ્પિટલમાં ઓપ્થલ્મોલોજિસ્ટ પાસે આંખની તપાસ કરાવવી જોઈએ,
આંખમાં વધારે પડતા નંબર હોવા, ડાયાબિટીસ, બ્લડપ્રેસર, થાઈરોઈડ, સ્ટીરોઇડનો વધુ પડતો ઉપયોગ, પરિવારમાં કોઈને ઝામર હોવા, આંખમાં ઇજા કે ઓપરેશન કરાવ્યું હોય એવી પરિસ્થિતિમાં વ્યક્તિને ઝામર થવાની શક્યતા વધી જાય છે. આંખ ખૂબ જ સંવેદનશીલ અને મહત્વનું અંગ હોવાથી તેની કાળજી રાખવી જરૂરી છે, તેમ જી.ટી.શેઠ આંખ વિભાગના ડૉ. હરેશ ગઢીયાએ જણાવ્યું હતું.
ઝામર ગંભીર રોગ હોવાથી જો સમયસર તેની સારવાર કરવામાં ન આવે તો દર્દીને કાયમી અંધત્વ આવી શકે છે.ઝામરનાં કોઈ ચોક્કસ લક્ષણ હોતાં નથી, પરંતુ દર્દીમાં આંખ લાલ થવી, આંખમાંથી પાણી પડવું, દુખાવો થવો, માથું દુખવું, ચશ્માંના નંબર વારંવાર બદલાવા, પ્રકાશની આજુબાજુ કુંડાળા દેખાવા વગેરે જેવા ચિહ્નો જણાતા હોય છે.
સમયસર નિદાન અને સારવાર દ્વારા ઝામરને અટકાવી શકાય છે, તેમ ડૉ. રાધિકા ગુપ્તાએ વિગતો આપતાં કહ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે જી.ટી. શેઠ આંખની સરકારી હોસ્પિટલ દ્વારા ઝામર સપ્તાહ અંતર્ગત ખાસ કેમ્પ યોજાઇ રહ્યો છે. જેમાં ૪૫ વર્ષથી વધુ વયના નાગરિકોએ આંખોની તપાસ કરાવવા અપીલ કરવામાં આવી છે.
નોંધનીય છે કે, જી.ટી.શેઠ આંખની હોસ્પિટલમા ડૉ. કમલ ડોડીયાના માર્ગદર્શનમાં ડૉ. નીતિ શેઠ, ડૉ. વિમલ વ્યાસ, ડૉ. હરેશ ગઢીયા, ડૉ. ફાલ્ગુની ત્રિવેદી, ડૉ. અંજલી પડાયા અને ડૉ. ચેતના કરમટા તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા ‘‘વિશ્વ ઝામર દિવસ’’ નિમિત્તે લોકોમાં ઝામર પ્રત્યે જાગૃતિ આવે તે માટેના ખાસ કાર્યક્રમ અને કેમ્પ કરી તપાસ, નિદાન અને ઓપરેશન થઈ રહ્યા છે.