RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ જિલ્લાની મે માસની ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ

તા.૧૬/૫/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

શાપર-વેરાવળ બ્રીજ પાસે ગંદકી, શાસ્ત્રી મેદાન પાસે દબાણ સહિતના જન પ્રતિનિધિશ્રીઓના પ્રશ્નોને નક્કર આયોજન સાથે જરૂરી સમય મર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપતાં ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટરશ્રી

જનગણના ૨૦૨૭ અંતર્ગત જનગણના અને ઘરગણનાના કાર્યક્રમમાં તમામ નાગરિકોને સહકાર આપવા અનુરોધ : આગામી ૧૭ મે થી ૩૧ મે, ૨૦૨૬ સુધી ઓનલાઈન ‘સેલ્ફ-એન્યુમરેશન’ કરાવી શકાશે

ધારાસભ્યશ્રીઓ દ્વારા સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત જિલ્લા વહીવટી તંત્રની શ્રેષ્ઠ કામગીરીની પ્રશંસા કરાઈ

Rajkot: રાજકોટ ઇન્ચાર્જ જિલ્લા ક્લેક્ટર શ્રી અનંદુ સુરેશ ગોવિંદની અધ્યક્ષતામાં આજે મે – ૨૦૨૬ના માસની જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં ઇન્ચાર્જ કલેકટરશ્રીએ જન પ્રતિનિધિશ્રીઓ દ્વારા રજૂ થયેલા પ્રશ્નોનો તાકીદે નિકાલ લાવવા અને નક્કર આયોજન સાથે જરૂરી આગળની કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું હતું.

આ બેઠકમાં ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા અને ધારાસભ્ય શ્રીમતી દર્શિતાબહેન શાહ દ્વારા શાપર – વેરાવળ ચોકડી પર બ્રિજ નીચે ગંદકી, ડોગ બાઈટના કેસ, રાજકોટ શહેરમાં આવેલા શાસ્ત્રીમેદાનની અંદર બિલ્ડીંગ વેસ્ટ મટીરીયલ, મેદાનની બહાર ફૂટપાથ પર દબાણ, નવી રજિસ્ટ્રાર કચેરી બનાવવાની કામગીરી, અનાજ માટે એ.ટી.એમની કામગીરી, પરશુરામ મંદિર પાસે વન કવચ યોજનાની અમલવારી, AIIMs ખાતે બસ સ્ટેશન બનાવવાની કામગીરી અંગેના પ્રશ્નો રજૂ કર્યા હતા.

આ તકે ઉપસ્થિત બંને ધારાસભ્યશ્રીઓએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત જિલ્લા વહીવટી તંત્રની કામગીરીની પ્રશંસા કરી શુભેચ્છાઓ પાઠવી હતી.

ભારત સરકાર દ્વારા આયોજિત ‘જનગણના-૨૦૨૭’ અંતર્ગત રાજકોટ જિલ્લો અને મહાનગરપાલિકા વિસ્તારમાં વસ્તી ગણતરીની પ્રારંભિક કામગીરીના સુચારુ આયોજન અંગે જિલ્લા સંકલનની બેઠકમાં માહિતી આપવામાં આવી હતી. આ જનગણનાની સમગ્ર પ્રક્રિયા બે તબક્કામાં યોજાનાર છે, જેમાં પ્રથમ તબક્કો ‘મકાન સૂચીકરણ અને મકાનોની ગણતરી’ આગામી ૧ જૂન, ૨૦૨૬ થી ૩૦ જૂન, ૨૦૨૬ દરમિયાન યોજાશે. જ્યારે બીજો તબક્કો ફેબ્રુઆરી, ૨૦૨૭થી હાથ ધરાશે. તેમજ આવતીકાલ તા. ૧૭ મે થી ૩૧ મે, ૨૦૨૬ સુધી ‘સેલ્ફ-એન્યુમરેશન’ માટે ઓનલાઈન વિન્ડો ખુલ્લી રહેશે. નાગરિકો સત્તાવાર પોર્ટલ se.census.gov.in પર જઈને પોતાના મોબાઈલ નંબર દ્વારા નોંધણી કરાવી શકશે.

બેઠકમાં ઈન્ચાર્જ જિલ્લા કલેક્ટરશ્રીએ જન સેવા કેન્દ્રો ખાતે પાણી, છાયડા સહિતની વ્યવસ્થા નાગરિકોને મળી રહે તે સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો. સી.એમ ડેશબોર્ડની કામગીરીમાં તમામ પરિમાણો પર રાજકોટ જિલ્લાનું શ્રેષ્ઠ પ્રદર્શન જળવાઈ રહે તે માટે નિવાસી અધિક જિલ્લા કલેક્ટરશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં આસિસ્ટન્ટ કલેક્ટર સુશ્રી મહેક જૈન, નાયબ પોલીસ કમિશનર શ્રી હેતલ પટેલ, ASP શ્રી સિમરન ભારદ્વાજ, નિવાસી અધિક કલેક્ટર શ્રી એન.કે. મૂછાર, સર્વે પ્રાંત અધિકારીશ્રીઓ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!