રાજુલા પોલીસે ચોમાસામાં અકસ્માતો અટકાવવા ધાતરડી નદી કાંઠે ચેતવણી બોર્ડ લગાવ્યા
જનજાગૃતિ માટે રાજુલા પોલીસનો અનોખો પ્રયાસ

યોગેશ કાનાબાર અમરેલી
રાજુલા પોલીસે ચોમાસામાં અકસ્માતો અટકાવવા ધાતરડી નદી કાંઠે ચેતવણી બોર્ડ લગાવ્યા
રાજુલા પોલીસ દ્વારા લોક જાગૃતિ અભિયાન
રાજુલા : અમરેલી જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાતના માર્ગદર્શન અને સૂચના અન્વયે તેમજ રાજુલા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રીમતી નયના ગોરડીયાના માર્ગદર્શન હેઠળ ચોમાસાની ઋતુ દરમિયાન નદીમાં વધતા પાણીના પ્રવાહને ધ્યાનમાં રાખી અકસ્માત નિવારણ માટે રાજુલા પોલીસે મહત્વપૂર્ણ પહેલ હાથ ધરી છે.
ચોમાસામાં નદીઓમાં અચાનક પાણીનો પ્રવાહ વધી જવાના કારણે દુર્ઘટનાઓ બનવાની શક્યતા રહેતી હોવાથી રાજુલા પોલીસ દ્વારા હિંડોરણા તથા ખાખબાઈ ગામ નજીક આવેલી ધાતરડી નદીના મુખ્ય માર્ગ અને નદીકાંઠાના જોખમી વિસ્તારોમાં વિશેષ ચેતવણી અને સૂચના દર્શાવતા સાઈન બોર્ડ લગાવવામાં આવ્યા છે.
આ સાઈન બોર્ડ દ્વારા નાગરિકોને નદીકાંઠાના જોખમી વિસ્તારોમાં ન જવા, નદીઓ પર બિનજરૂરી અવરજવર ન કરવા, નદીમાં સ્નાન કરવા ન પડવા તેમજ ધસમસતા પાણીના પ્રવાહમાં પ્રવેશ ન કરવા અંગે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. સાથે જ ચોમાસા દરમિયાન પોતાની અને પરિવારની સુરક્ષાને પ્રાથમિકતા આપવા અપીલ કરવામાં આવી છે.
રાજુલા પોલીસે નાગરિકોને ખાસ અપીલ કરી છે કે વરસાદી માહોલમાં કોઈપણ પ્રકારનું સાહસ કરવાનું ટાળે, પાણીના વહેણને હળવાશથી ન લે અને જોખમી સ્થળોથી દૂર રહે. કોઈપણ આકસ્મિક પરિસ્થિતિ સર્જાય તો તાત્કાલિક પોલીસ અથવા સંબંધિત તંત્રને જાણ કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.
રાજુલા પોલીસની આ જનજાગૃતિ અને સુરક્ષા પહેલને સ્થાનિક લોકો દ્વારા આવકારવામાં આવી રહી છે. ચોમાસાની ઋતુમાં અકસ્માતો અટકાવવા અને લોકોના જીવ બચાવવા માટે આવા ચેતવણી બોર્ડ અસરકારક સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.





