રાજપીપલા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે બે મહાનુભાવોને “રત્નસિંહજી મહિડા મેમોરિયલ એવોર્ડ” અર્પણ
સ્વ.રત્નસિંહજી મહિડાના સમર્પણ અને અવિરત સેવા કાર્યથી આદિવાસી સમાજના સશક્તિકરણના પરિણામે અસંખ્ય લોકોના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું
“રત્નસિંહજી મહિડા મેમોરિયલ એવોર્ડ” બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી-રાજપીપલાના પ્રથમ કુલપતિ ડો. મધુકર પાડવી અને આંધ્ર યુનિવર્સિટી-વિશાખાપટ્ટનમના પ્રથમ આદિવાસી મહિલા વી.સી. ડો.એસ પ્રશન્નાશ્રીને મુખ્યમંત્રીના હસ્તે એનાયત થયા
રાજપીપલા : જુનેદ ખત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા જિલ્લાના રાજપીપલાના પ્રતિષ્ઠિત સમાજ સુધારક, શિક્ષણવિદ અને આદિવાસીઓના કલ્યાણને આજીવન સમર્પિત સ્વ.રત્નસિંહજી મહિડાની સ્મૃતિમાં રત્નસિંહ મહિડા મેમોરિયલ એવોર્ડથી બે વ્યક્તિ વિશેષનું સન્માન કર્યું હતું.
આ વર્ષ થી રત્નસિંહ મહિડા મેમોરિયલ એવોર્ડ પ્રથમવાર આપવાનું શરૂ કરવામાં આવ્યું છે અને આ પ્રથમ એવોર્ડ સન્માન બિરસામુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો.મધુકર પાડવી અને આંધ્ર યુનિવર્સિટી વિશાખાપટ્ટનમના પ્રથમ મહિલા આદિવાસી વાઈસ ચાન્સેલર ડો. એસ. પ્રસન્નાને એનાયત કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ ગૌરવ સન્માન અર્પણ કરતા સ્વર્ગીય રત્નસિંહ મહિડાની આદિવાસી કલ્યાણ અને શિક્ષણ માટેની સેવાકીય પ્રવૃત્તિઓની પ્રસંશા કરી કરી હતી.
તેમણે કહ્યું કે, આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાના ૧૫૦મા જન્મ જયંતિ વર્ષે જનજાતિય ગૌરવ વર્ષની ઉજવણીના આ વર્ષમાં આ એવોર્ડની શરૂઆત એક સંયોગ છે. મુખ્યમંત્રીશ્રીએ સ્વ.રત્નસિંહજી મહિડાના આ વારસાને આગળ ધપાવતા તેમના પૌત્રી વિરાજકુમારી મહિડાને પણ બિરદાવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, સ્વ.રત્નસિંહજી મહિડાએ શિક્ષણ દ્વારા આદિવાસીઓને સમાજના મુખ્યપ્રવાહમાં લાવવાની જરૂરિયાત પર ભાર મૂકીને શિક્ષણનો સેવાયજ્ઞ વર્ષ ૧૯૫૭માં ભરૂચ જિલ્લામાં આદિવાસી સેવા સંઘની સ્થાપનાથી શરૂ કર્યો હતો.
બાલવાટિકાથી માંડી કોલેજ સુધીની ૭૨ જેટલી શિક્ષણ સંસ્થાઓ તેમણે કાર્યરત કરી હતી. તેમની આ મહેનતથી આદિવાસી અને છેવાડાના વંચિત લોકો માટે શિક્ષણની નવી તકો ઊભી થઈ. સ્વ.રત્નસિંહજીના સમર્પણ અને અવિરત સેવા કાર્યથી આ સમગ્ર પ્રદેશમાં આદિવાસી સમાજના સશક્તિકરણનો પાયો નંખાયો જેના પરિણામે અસંખ્ય લોકોના જીવનમાં આમૂલ પરિવર્તન થયું.
આ વર્ષે પ્રથમ મેમોરિયલ એવોર્ડ પણ સ્વ. રત્નસિંહજીના આદિજાતિના શિક્ષણના પ્રયાસોને વેગ આપનાર શિક્ષણ સેવા સાથે સંકળાયેલા બે વ્યક્તિઓને મળ્યો છે, જે આદિવાસી સમાજમાં શિક્ષણની જ્યોત વધુ પ્રજ્વલિત કરશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં એવોર્ડથી સન્માનિત થયેલા બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી-રાજપીપલાના કુલપતિ ડો. મધુકર પાડવી અને આંધ્રા યુનિવર્સિટી-વિશાખાપટ્ટનમના ડો.એસ પ્રશન્ના શ્રીએ પણ પોતાના પ્રતિભાવો પ્રસ્તુત કર્યા હતા અને એવોર્ડ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો