GUJARATNANDODNARMADA

બોલીવુડ અભિનેતા આમિર ખાનની ઉપસ્થિતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી

બોલીવુડ અભિનેતા આમિર ખાનની ઉપસ્થિતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉજવાયેલા ૭૬માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં બોલિવૂડના જાણીતા અભિનેતા આમિર ખાન સહભાગી બન્યા હતા. તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમગ્ર પરિસરની મુલાકાત લઇ સરદાર સાહેબને ભાવવંદના કરી હતી.

ખાદીના ફેશનેબલ વસ્ત્રો ધારણ કરી આવેલા આમિર ખાને સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ચેરમેન મુકેશ પૂરીના હસ્તે થયેલા ધ્વજવંદનમાં સહભાગી બની રાષ્ટ્રધ્વજને સન્માનપૂર્વક સલામી આપી હતી. ઉજવણીમાં ભાગ લઇ રહેલા સીઆઇએસએફની પ્લાટૂન સાથે તેમણે તસવીરો પણ ખેંચાવી હતી. તેઓ તેમના ચાહકોને પણ મળ્યા હતા.

બાદમાં તેઓ પ્રદર્શન ગેલેરી નિહાળવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભારતના એકીકરણ અને તેમાં પડેલી મુશ્કેલીઓને સરદાર સાહેબે કુનેહપૂર્વક તેને કેવી રીતે પાર પાડી હતી, તે સહિતની બાબત જાણી હતી. આ ઉપરાંત વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું કેવી રીતે નિર્માણ થયું ? એની માહિતી આપવામાં આવી હતી. અહીં તેમણે એકતા સંકલ્પ પણ લીધો હતો. તેમણે વ્યુઇંગ ગેલેરીમાંથી સરદાર સરોવર ડેમને પણ નિહાળ્યો હતો. આ તકે એસઓયુ પરિસરના અધિકારીઓ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

આમિર ખાને પરિસર સ્થળમાં બેસી સરદાર સાહેબના જીવની ઉપરના પુસ્તકનું વાંચન કર્યું હતું. તેમણે પિન્ક રિક્ષામાં બેસી વિશ્વ વનની મુલાકાત લીધી હતી અને અહીં તેમણે કેસુડાનો છોડ રોપ્યો હતો. વિશ્વ વન પરિસરમાં તેમને ખાટી ભિંડીનું સરબત, બાજરી અને મકાઇના થેપલા, મકાઇના મુઠિયા અને ચૂરમાના લાડુનું ભોજન પીરસવામાં આવ્યું હતું.

 

માધ્યમો સાથેની વાચચીતમાં આમિર ખાને પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે, ભારતમાં પ્રાચીન સ્થળો તો અનેક છે, પણ આવું મોર્ડન સ્થળ પ્રથમ વખત જોયું છે. રાષ્ટ્રીય પર્વના દિવસે જ અહીં આવી શક્યો એ માટે મારી જાતને ભાગ્યશાળી માનું છું અને સરદાર સાહેબને વંદન કરૂ છું.

આવી વિશાળ પ્રતિમાને સાકાર કરવા બદલ હું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો આભાર માનું છું. આ પ્રતિમાને પહેલી વખત જોઇ ત્યારે રોમાંચિત થઇ ગયો હતો અને મારા રૂંવાટા ઉભા થઇ ગયા હતા. દેશના દરેક વ્યક્તિએ આ સ્થળની મુલાકાત અવશ્ય લેવી જોઇએ. મારા દાદા મૌલાના આઝાદ પણ એક સ્વાતંત્ર્ય સેનાની હતા. આઝાદી માટે દેશના નાગરિકોએ કેવા સંઘર્ષો કર્યા, તેનો ખ્યાલ આ પરિસરની મુલાકાતથી આવી શકે છે. હું મારા બાળકોને લઇ ફરી અહીં આવીશ. અહીંની મુલાકાતથી સરદાર સાહેબ વિશે જાણવા, વાંચવા મળશે અને તેનાથી પ્રેરણા, નવી દિશા મળે છે.

 

તેમણે વધુમાં જણાવ્યું કે, અહીંનું વાતાવરણ અદ્દભૂત છે. હું આ વિસ્તારમાં ઘણી વખત આવી ચૂક્યો છું. આટલા દાયકામાં ઘણા પરિવર્તન આવ્યા છે. વડોદરા પણ બહું વિશાળ થઇ ગયું છે. મોર્ડર્ન શહેર બની ગયા છે. ગુજરાત હિસ્ટોરિકલ પ્રાંત છે. સાથે, અહીં કુદરતી સૌંદર્ય પણ ભરપૂર છે. ફિલ્મોદ્યોગનું કામ અહીં થતું રહ્યું છે અને હજુ પણ ફિલ્મ શૂટ થઇ રહી છે. ગુજરાત અદ્દભૂત રાજ્ય છે, ફિલ્મોદ્યોગ માટે અહીં વિશાળ તકો રહેલી છે.

Back to top button
error: Content is protected !!