
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી, તા-૦૬ એપ્રિલ : સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓની તારીખો જાહેર થયેલ છે. જે મુજબ ચૂંટણીને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલી છે અને કચ્છ જિલ્લામાં તા.૨૬/૦૪/૨૦૨૬ના રોજ મતદાન થનાર છે. ચૂંટણીની કામગીરી તા.૧/૦૪/૨૦૨૬ થી તા.૩૦/૦૪/૨૦૨૬ સુધી ચાલશે. આગામી સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ ચૂંટણીની કામગીરી દરમિયાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે જરૂરી જાહેરનામા બહાર પાડવા માટે ચૂંટણી આયોગ તરફથી સૂચનાઓ આપવામાં આવેલી છે.
સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય /પેટા ચૂંટણી-૨૦૨૬ સંદર્ભે ચૂંટણી સમય દરમિયાન રાજકીય પક્ષ/ઉમેદવારો/કાર્યકરો ચૂંટણી પ્રચાર ઝુંબેશ માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ મોટાપાયે કરતા હોય છે. આ લાઉડ સ્પીકરનો ઉપયોગ ફક્ત નિયત મંચ ઉપરાંત ટ્રક, ટેમ્પો, કાર, જીપ, ટેક્ષી, વાન, ત્રણ પૈડા વાળા વાહનો, સ્કૂટરો, રિક્ષા, બળદગાડી, ઉંટગાડા વગેરે વાહનો ઉપર ગોઠવીને તેનો ઉપયોગ કરવામાં આવે છે. ખૂબ ઉંચા અવાજે પ્રચાર કરતા લાઉડ સ્પીકરો સાથેના વાહનો તમામ માર્ગો, શેરીઓ, ગલીઓમાં ફરતા હોય છે. જેને કારણે ખૂબ જ ધ્વનિ પ્રદૂષણ થાય છે અને જાહેર જનતાની શાંતિમાં ખલેલ પહોંચે છે. જેથી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લાઉડ સ્પીકર બેફામ અને મનસ્વી રીતે વગાડવા ઉપર પ્રતિબંધ મુકવાનું જરૂરી જણાય છે.
જેથી શ્રી આનંદ પટેલ, જિલ્લા મેજિસ્ટ્રેટ કચ્છ-ભુજએ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૩૩(૧) તળે પ્રાપ્ત સત્તાની રૂએ સમગ્ર કચ્છ જિલ્લામાં જાહેરમાં લાઉડ સ્પીકર વગાડવા બાબતે નીચે મુજબના પ્રતિબંધાત્મક હુકમ કર્યા છે. કોઈપણ રાજકીય પક્ષો/ઉમેદવારો/રાજકીય કાર્યકરો/સમર્થકોએ નિયત મંચ સિવાય લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવો નહીં. લાઉડ સ્પીકરનો ઉપયોગ કરતા પહેલા સક્ષમ અધિકારીની મંજૂરી મેળવવાની રહેશે. રાત્રિના ૧૦.૦૦ વાગ્યાથી સવારના ૦૮.૦૦ વાગ્યા સુધી લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવાનો રહેશે નહીં. ફરતા વાહન પર લાઉડ સ્પીકર વગાડવા માટે વાહનની મંજૂરી સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવી અને લાઉડ સ્પીકર વગાડવા માટે પણ સક્ષમ અધિકારીની મંજૂરી મેળવી તેનો ઉપયોગ કરવાનો રહેશે.
આ જાહેરનામું સરકારી ફરજ પરના વાહનોને ચૂંટણી અધિકારી અથવા સક્ષમ અધિકારી પાસેથી તે અર્થે પરવાનગી મેળવેલા વાહનોને લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો અમલ તા.૧૯/૦૪/૨૦૨૬ સુધી કરવાનો રહેશે.
કોઈ રાજકીય પક્ષ/ઉમેદવાર અથવા આવા કોઈ વ્યક્તિ દ્વારા ઉક્ત નિયમોનો ભંગ કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ તથા ૧૭૬ મુજબ શિક્ષાપાત્ર કાર્યવાહીને પાત્ર ઠરશે.
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૨૧૫ની આદેશાત્મક જોગવાઇઓ ધ્યાને લઇ આ જાહેરનામાનાં ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ અન્વયે ગુના કામે આ જાહેરનામા હેઠળ તપાસ કરવાનાં, જાહેરનામાનાં પાલન કરાવવાનાં અને તપાસનાં અંતે ફરીયાદ રજૂ કરવાના અઘિકાર જિલ્લાનાં પોલીસ અધિકારીશ્રીઓ તેમજ હેડ કોન્સ્ટેબલ કે તે ઉ૫રનાં કર્મચારીઓને રહેશે.



