સાબરકાંઠાના વિરાવાડા અને કાલવણ આરોગ્ય કેન્દ્રોને ઉત્કૃષ્ટ સેવાઓ માટે રાષ્ટ્રકક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર પ્રાપ્ત: આરોગ્ય ક્ષેત્રે સાબરકાંઠાની વધુ એક સુવર્ણ સિદ્ધિ

સાબરકાંઠાના વિરાવાડા અને કાલવણ આરોગ્ય કેન્દ્રોને ઉત્કૃષ્ટ સેવાઓ માટે રાષ્ટ્રકક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર પ્રાપ્ત: આરોગ્ય ક્ષેત્રે સાબરકાંઠાની વધુ એક સુવર્ણ સિદ્ધિ
*
સાબરકાંઠા જિલ્લામાં ગ્રામ્ય સ્તરે સર્વગ્રાહી, સુરક્ષિત અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવતા સંકલિત અને પરિણામલક્ષી પ્રયત્નોને વધુ એક ગૌરવપૂર્ણ માન્યતા પ્રાપ્ત થઈ છે. જિલ્લાના હિમતનગર તાલુકાના વિરાવાડા આયુષ્માન આરોગ્ય મંદિરે 93.7% અને વિજયનગર તાલુકાના કાલવણ આયુષ્માન આરોગ્ય મંદિરે 95.7% ના ઊંચા ગુણ સાથે રાષ્ટ્રીય ગુણવત્તા આશ્વાસન ધોરણો (National Quality Assurance Standards – NQAS) અંતર્ગત સફળતાપૂર્વક મૂલ્યાંકન પાર કરીને રાષ્ટ્રકક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર હાંસલ કર્યું છે.
આ મહત્વપૂર્ણ સિદ્ધિ આરોગ્ય સેવાઓમાં ક્લિનિકલ ગવર્નન્સ, પેશન્ટ સેફ્ટી, ઇન્ફેક્શન પ્રિવેન્શન અને કંટ્રોલ (IPC), બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ, દવાઓની પૂરતી ઉપલબ્ધતા, ડેટા આધારિત મોનિટરિંગ તેમજ પેશન્ટ સેન્ટ્રિક સર્વિસ ડિલિવરી જેવા મહત્વપૂર્ણ માપદંડોમાં આરોગ્ય કર્મચારીઓની ઉત્કૃષ્ટ કામગીરીનું પ્રતિબિંબ પાડે છે.
આ ઉપલબ્ધિ અંગે વાત કરતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. રાજ સુતરિયાએ જણાવ્યું હતું કે, માર્ગદર્શક નેતૃત્વ અને સતત મોનિટરિંગના પરિણામે સાબરકાંઠા જિલ્લો ગ્રામ્ય આરોગ્ય સેવાઓમાં ગુણવત્તાના નવા ધોરણો સ્થાપિત કરી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધી કુલ 128 આરોગ્ય સંસ્થાઓને નેશનલ ક્વોલિટી સર્ટિફિકેટ પ્રાપ્ત થઈ ચૂક્યા છે, જેમાં 98 આયુષ્માન આરોગ્ય મંદિર, 28 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC), 1 સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને 1 અર્બન હેલ્થ સેન્ટરનો સમાવેશ થાય છે.
આરોગ્ય શાખાના DQAMO ડૉ.એ.આઇ. મલેક તથા સંબંધિત તાલુકા આરોગ્ય અધિકારીઓના સતત પ્રયાસોથી “સ્વસ્થ ગ્રામ્ય સમાજ”ના નિર્માણ તરફ આ એક અત્યંત મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહ્યું છે. આરોગ્ય વિભાગ આગામી સમયમાં જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રોને NQAS તથા અન્ય ગુણવત્તા ધોરણો હેઠળ આવરી લઈને નાગરિકોને શ્રેષ્ઠ સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવા માટે પૂર્ણપણે કટિબદ્ધ છે.
જયંતિ પરમાર સાબરકાંઠા




