સખી વન સ્ટોપ સેન્ટર જૂનાગઢની સાફલ્યગાથા, નાની મોટી શંકાના કારણે તૂટવાના આરે આવી ગયેલા દંપતીના લગ્નજીવનને બચાવી લેવામાં આવ્યું
સખી વન સ્ટોપ સેન્ટર જૂનાગઢની સાફલ્યગાથા, નાની મોટી શંકાના કારણે તૂટવાના આરે આવી ગયેલા દંપતીના લગ્નજીવનને બચાવી લેવામાં આવ્યું

જૂનાગઢ શહેરમાં આવેલા સખી વન સેન્ટરમાં આવેલા એક મહિલા અરજદારને તેમના પતિ પ્રત્યે અન્ય કોઈ સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા હતી. આ શંકાના કારણે તેઓના ઘરમાં રોજબરોજ ઝઘડાઓ થતા હતા. આગળ જતાં આ વિવાદ એટલો બધો વધી ગયો હતો કે પતિએ ઘરમાં ઘરખર્ચ માટે પૈસા આપવાનું પણ બંધ કરી દીધું હતું. તેથી ગંભીર આર્થિક મુશ્કેલીના કારણે આ પીડિતાને પોતાનું ઘર ચલાવવું મુશ્કેલ બન્યું હતું. બીજી તરફ તેમના સંતાનો પણ ઉંમરલાયક થઈ ગયા હોવાથી તેમના ભવિષ્ય અને લગ્નની ચિંતામાં મહિલા ભારે માનસિક તણાવમાં જીવી રહ્યા હતા.આ પરિસ્થિતિમાં મહિલાએ જૂનાગઢ સખી વન સ્ટોપ સેન્ટરમાં કાઉન્સિલિંગ માટે સેન્ટરનો સંપર્ક કર્યો હતો. તેથી સેન્ટર દ્વારા પ્રથમ આ મહિલાના પતિનું ટેલિફોનીક સંપર્ક સાધીને તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સેન્ટર દ્વારા મહિલાના પતિને સેન્ટર પર બોલાવવામાં આવ્યા હતા. ત્યાં બંને પક્ષોને સાથે રાખીને તેઓને શાંતિપૂર્વક સાંભળવામાં આવ્યા હતા. ટીમના સભ્યોએ મહિલાના પતિને સમજાવ્યું કે કૌટુંબિક વિવાદોની અસર ઉંમરલાયક સંતાનોના ભવિષ્ય પર પડી શકે છે. સેન્ટરના સચોટ અને શાંતિપૂર્ણ કાઉન્સિલિંગના પરિણામે પતિએ પત્નીની શંકાઓ દૂર કરી હતી. તેમજ ભવિષ્યમાં નિયમિત ઘરખર્ચ માટે પૈસા આપવા અને પરિવારની જવાબદારી યોગ્ય રીતે નિભાવવાની ખાતરી આપી હતી. આમ જૂનાગઢ સખી વન સ્ટોપ સેન્ટરના સરાહનીય પ્રયાસોથી એક પરિવાર આજે તૂટતો બચી ગયો છે. તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





