દાહોદમાં સાંસી સમાજ દ્વારા ૩૧ ઓગસ્ટ ‘મુક્તિ દિવસ’ નિમિત્તે ભવ્ય બાઈક રેલી અને વિચરતી-વિમુક્ત જાતિ શિબિરનું આયોજન

તા.૩૧.૦૮.
૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદમાં સાંસી સમાજ દ્વારા ૩૧ ઓગસ્ટ ‘મુક્તિ દિવસ’ નિમિત્તે ભવ્ય બાઈક રેલી અને વિચરતી-વિમુક્ત જાતિ શિબિરનું આયોજન
દાહોદ શહેર ખાતે આજરોજ ૩૧મી ઓગસ્ટના રોજ સાંસી સમાજ દ્વારા ‘મુક્તિ દિવસ’ની ઉજવણીના ભાગરૂપે એક ભવ્ય અને યાદગાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દાહોદ શહેરમાં વિશાળ બાઈક રેલી અને વિચરતી તેમજ વિમુક્ત જાતિ શિબિર યોજાઈ હતી.અંગ્રેજ શાસન દરમિયાન વિચરતી અને વિમુક્ત જાતિઓ પર લાદવામાં આવેલા કાળા કાયદા (Criminal Tribes Act)માંથી ૩૧ ઓગસ્ટ ૧૯૫૨ના રોજ દેશની વિચરતી અને વિમુક્ત જાતિઓને સત્તાવાર રીતે મુક્તિ મળી હતી. આ ઐતિહાસિક દિવસની યાદમાં દર વર્ષે ૩૧ ઓગસ્ટને ‘મુક્તિ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.આ ગૌરવશાળી પ્રસંગે દાહોદમાં યોજાયેલી ભવ્ય બાઈક રેલીમાં સાંસી સમાજના મોટી સંખ્યામાં યુવાનો અને નાગરિકો દેશભક્તિ અને સમાજ ઉત્થાનના જોશ સાથે ઉત્સાહભેર જોડાયા હતા. હાથમાં ધ્વજ અને બેનરો સાથે નીકળેલી આ રેલીએ સમગ્ર શહેરમાં આકર્ષણ જમાવ્યું હતું.બાઈક રેલીની પૂર્ણાહુતિ બાદ એક ખાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ઉપસ્થિત સમાજના અગ્રણીઓ અને વક્તાઓ દ્વારા વિચરતી-વિમુક્ત જાતિના લોકોને શિક્ષણનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ સાથે જ સરકારી યોજનાઓ, રોજગારીની તકો અને તેમના સામાજિક તથા બંધારણીય અધિકારો અંગે વિસ્તૃત અને પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સમાજના સર્વાંગી વિકાસ અને યુવા પેઢીને આગળ લાવવાના સંકલ્પ સાથે આ કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો



