સારસ્વતમ્ સંચાલિત પી.એ. હાઇસ્કૂલ- નિરોણાના નાનકડા વિધાર્થીઓનો મોટો સંદેશ: વડાપ્રધાનને રક્ષાસૂત્ર મોકલી રાષ્ટ્ર રક્ષાનો સંકલ્પ.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.
નખત્રાણા,તા-૦૭ ઓગસ્ટ : રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પવિત્ર સ્નેહનું પ્રતિક છે, પણ જ્યારે આ તહેવાર રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્ર રક્ષાના સંદેશ સાથે જોડાઈ જાય ત્યારે તેનો ઉદ્દેશ વધુ ગહન અને વિશાળ બને છે. આવી જ એક ભાવનાત્મક અને પ્રેરણાદાયક પહેલ નખત્રાણા તાલુકાના નિરોણા ગામની શ્રી સારસ્વતમ્ સંચાલિત પુંજાભાઈ આણંદજી હાઇસ્કૂલના નાનકડા વિધાર્થીઓએ કરી છે.
શાળાના આચાર્ય ડૉ. વી.એમ. ચૌધરી સાહેબની ભાવનાત્મક પ્રેરણાથી અને શિક્ષિકા શ્રીમતી ભૂમિબેન વોરાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને રક્ષાસૂત્ર સાથે સંકળાયેલ સંદેશ મોકલ્યો છે. આ સંદેશમાં તેમણે રક્ષા બંધનના પરંપરાગત અર્થને વિસ્તારીને રાષ્ટ્ર રક્ષા સાથે પણ જોડ્યો છે. વિધાર્થીઓએ તેમના હસ્તલિખિત સંદેશમાં જણાવ્યું છે કે, “આ રક્ષા સૂત્ર માત્ર તંતુ નથી, તે ભારતમાતા પ્રત્યેનો અમારી શ્રદ્ધા, નમન અને રાષ્ટ્ર રક્ષાનો સંકલ્પ છે.”
વિદ્યાર્થીઓએ વડાપ્રધાનશ્રીના નેતૃત્વને સલામ કરતા કહ્યું છે કે, “તમારું નેતૃત્વ સમગ્ર વિશ્વમાં ભારતને ગૌરવશાળી ઊંચાઈ પર લઈ જઈ રહ્યું છે. અમે નાનકડા બાળકો પણ આ ઉજ્વળ ભવિષ્યની યાત્રામાં નાનાં પગલાંથી સહભાગી થવા ઇચ્છીએ છીએ.”
વિદ્યાર્થીઓના હાથે બનાવાયેલ રક્ષાસૂત્રો અને મનથી લખાયેલા સંદેશાએ રક્ષા પર્વના મૂલ્યને નવો આયામ આપ્યો છે. શાળાનું મંતવ્ય છે કે આવા તહેવારોને માત્ર આધ્યાત્મિક કે સાંસ્કૃતિક નહીં, પરંતુ રાષ્ટ્રીય ભાવનાથી પણ જોડીને ઉજવવામાં આવે તો બાળકોમાં નૈતિક મૂલ્યો, રાષ્ટ્ર ભક્તિ અને સામૂહિક જવાબદારીની ભાવનાઓ વધુ મજબૂત બનશે.
નિરોણાની શાળામાંથી નિકળેલ આ નાનકડો, પરંતુ અનોખો સંદેશ એ સાબિત કરે છે કે વિધાર્થીઓના નાનકડાં હૃદયમાં પ્રગટેલી રાષ્ટ્રપ્રેમની નાની સરખી જયોત આવનારા સમયમાં સમગ્ર રાષ્ટ્ર માટે ઉર્જા અને પ્રેરણાનુ સ્ત્રોત બની રહેશે.