નવસારીના સાતેમ ગામે ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
“બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બાળકોમાં રહેલી શક્તિઓ અને પ્રતિભા ઉજાગર કરવાનું શ્રેષ્ઠ માધ્યમ”
-: રાકેશભાઈ દેસાઈ
જી.સી.ઈ.આર.ટી.-ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-નવસારી , જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ માર્ગદર્શનમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તેમજ નવસારી જિલ્લા માધ્યમિક શાળા વિજ્ઞાન મંડળ દ્વારા નવસારીના ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં સાતેમ ગામે જિલ્લા કક્ષાનું બાળવૈજ્ઞાનિક પ્રદર્શન-૨૦૨૪ યોજાયું હતું, જેમાં જિલ્લાની વિવિધ શાળાઓના બાળ વૈજ્ઞાનિકોએ વિજ્ઞાન-ગણિત-પર્યાવરણની કૃતિઓ પ્રદર્શિત કરી હતી.
‘ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી’ની થીમ પર શ્રી ગુણવંતભાઈ રમણભાઈ વિધામંદિર સાતેમમાં યોજાયેલા બાળવૈજ્ઞાનિક પ્રદર્શનમાં મહાનુભાવોએ બાળવૈજ્ઞાનિકોની કૃતિઓને રસપૂર્વક નિહાળી તેમના સંશોધન બદલ પ્રોત્સાહિત કર્યા હતા, અને આવનારા દિવસોમાં બાળકો વિજ્ઞાન ક્ષેત્રે આગવું યોગદાન આપી દેશના વિકાસમાં ભાગીદાર બને એવી શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, વિજ્ઞાન પ્રદર્શન થકી બાળકમાં રહેલી સુષુપ્તશક્તિઓ, કળા, પ્રતિભા ઉજાગર કરવાનું શ્રેષ્ઠ માધ્યમ છે, તેમજ માનવ જીવનમાં આવતા પડકારો સામે વિજ્ઞાન મદદરૂપ થઇ શકે તેનું ઉત્તમ ઉદાહરણ છે. વૈજ્ઞાનિક શોધ-સંશોધનોના આધારે દેશ આગળ વધે છે. એટલે જ રાજ્યનો શિક્ષણ વિભાગ બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિ બિંદુ વિકસે તથા બાળકોમાં સંશોધન વૃત્તિ જાગે, ગણિત પ્રત્યે રસ ઉત્પન્ન થાય એવા આશયથી શાળાઓમાં દર વર્ષે વિજ્ઞાન પ્રદર્શનો યોજવા પ્રોત્સાહન આપે છે.
શાળાની બાળાઓએ પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કરી સૌને આવકાર્યા હતા. આ પ્રદર્શનમાં વિવિધ વિષયો પર વિજ્ઞાન કૃતિઓ રજૂ કરાઈ હતી, જે પૈકી વિજેતા વિદ્યાર્થીઓને ધારાસભ્યશ્રી તથા મહાનુભાવોના હસ્તે શિલ્ડ આપી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે નવસારી જિલ્લામાં બાળકો દ્વારા રજુ થયેલ કૃતિઓનું “૨૬મું સંકુલ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪-૨૫” પુસ્તકનું વિમોચન કરવામાં આવેલું છું. આ પ્રસંગે શૈક્ષિણક સંઘોના હોદ્દેદારો, પ્રતિનિધિઓ, જિલ્લાની વિવિધ શાળાના આચાર્યો, જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યો, શિક્ષકો, બાળવૈજ્ઞાનિકો, શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.