સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે રૂપિયા 7 લાખથી વધુની કિંમતના એમ.ડી. ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ મામલામાં પોલીસે રૂપિયા 11 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉદ્યોગ નગરી અંકલેશ્વરમાંથી ફરી એકવાર નશાના કાળાકારોબારનો પર્દાફાશ થયો છે. અંકલેશ્વરના વિવિધ ઔદ્યોગિક એકમોમાંથી ડ્રગ્સ ઝડપાયા બાદ હવે કારમાં ડ્રગ્સની હેરાફેરી કરાતી હોવાનું બહાર આવ્યું છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસના સૂત્રોને મળેલી બાતમીના આધારે તેઓએ નેશનલ હાઇવે નંબર 48 પર ઉછાલી ગામ નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમી વાળી ઇકો કાર આવતા તેને અટકાવી તપાસ કરતા અંદરથી ડ્રગનો રૂપિયા 7 લાખની કિંમતનો 70.600 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.
આ મામલામાં પોલીસે ઝઘડિયાના રાજપાડીના રહેવાસી ઇમ્તિયાઝ ઇબ્રાહીમ શેખ, મહંમદ જુબેર મહેબુબખાન ખોખર અને સુમીત વસાવાની ધરપકડ કરી છે. આરોપીઓ ડ્રગ્સ ઝીપલોક બેગમાં પેક કરી વેચાણ અર્થે લઈ જતા હોવાનું બહાર આવ્યું છે. ત્યારે પોલીસે ડ્રગ્સ અને કાર મળી કુલ રૂપિયા 11.47 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ ડ્રગ્સ ક્યાંથી લાવતા હતા. તે સહિતની વિગતો મેળવવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.