
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સ્થિત ‘ડાંગ સ્વરાજ આશ્રમશાળા’ માં ૧૫ વર્ષીય સગીરા પર થયેલા દુષ્કર્મના ચકચારી કેસમાં ડાંગ જિલ્લા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ કેસના મુખ્ય આરોપી અને સંસ્થાના મહિલા પ્રમુખના પતિ પ્રફુલભાઈ નાયક તેમજ તેમને ગુનામાં સાથ આપનાર રસોઈણ સોનલબેન દીપકભાઈ પવારને આજે સેસન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે બંનેના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવના સીધા માર્ગદર્શન હેઠળ આ કેસની તપાસ ચલાવી રહેલા નાયબ પોલીસ અધિક્ષક જનેશ્વર નલવાયા દ્વારા બંને આરોપીઓની ધરપકડ બાદ તેમને આહવા સેસન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.પોલીસ દ્વારા આ ગુનાના મૂળ સુધી પહોંચવા અને અન્ય કોઈ વિગતો છુપાવવામાં આવી છે કે કેમ તેની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી.દલીલો સાંભળ્યા બાદ નામદાર કોર્ટે બંને આરોપીઓના બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.ઉલ્લેખનીય છે કે, આશરે અઠવાડિયા પહેલા આશ્રમશાળામાં રસોઈકામ કરતી સોનલબેને એક સગીરાને કામના બહાને બોલાવી નશીલી વસ્તુ પીવડાવી દીધી હતી. સગીરા બેભાન અવસ્થામાં આવતા પ્રફુલ નાયક તેને પોતાના રૂમમાં લઈ ગયો હતો અને તેની પર દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર ડાંગ પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.શિક્ષણના ધામમાં દીકરીઓની સુરક્ષા સામે સવાલ ઉઠાવનાર આ નરાધમો સામે પોલીસ કાયદેસરની કડક કાર્યવાહી કરી રહી છે.આ કેસમાં પીડિત દીકરીને ન્યાય મળે તે માટે આદિવાસી સમાજના આગેવાનો અને વાલીઓ દ્વારા કડકમાં કડક સજાની માંગ કરવામાં આવી રહી છે.ત્યારે બન્ને આરોપીઓનાં રિમાન્ડ બાદ વધુ વિગતો ખુલશે તેવી સંભાવના જોવા મળી રહી છે..





