GUJARATKUTCHMANDAVI

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં પ્રમુખ તરીકે દિગ્વિજયસિંહ જાડેજા ચોથી વાર ચૂંટાયા.

મહામંત્રી તરીકે વડોદરાના જૈમિન પટેલ વિજેતા.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૨૨ જુલાઈ : રાજ્યના કર્મચારીઓના સૌથી મોટા સંગઠન કે જેના પોણા બે લાખ જેટલા પ્રાથમિક શિક્ષકો સભ્યો છે એવા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનું સુકાન ચોથી વાર જામનગરના દિગ્વિજયસિંહ જાડેજાને સોંપાયું છે તો મહામંત્રી તરીકે પ્રથમ વખત વડોદરાના જૈમિન પટેલ ચૂંટાઈ આવ્યા છે. રાજ્યભરના કર્મચારીઓમાં ભારે ઉતેજના જગાડનાર આ ચુંટણી અંગે વિશેષ માહિતી આપતા કચ્છ જિલ્લાના રાજ્યના પદનામિત હોદ્દેદાર હરિસિંહ જાડેજા તથા કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ નયનસિંહ જાડેજા અને મહામંત્રી કેરણા આહિરના જણાવ્યા અનુસાર ચાણક્ય ભવન, ગાંધીનગર ખાતે યોજાયેલ આગામી ૩ વર્ષની મુદ્દત માટેની પ્રમુખ માટેની ચૂંટણીમાં કુલ ૪૭૪ મતદારો પૈકી ૪૭૨ મતદારોએ મતદાન કર્યું હતું. જેમાં તમામ મતો માન્ય રહ્યા હતા. આ મતો પૈકી દિગ્વિજયસિંહ જાડેજાને ૨૩૦ , સંજય દવેને ૨૧૮ જ્યારે ખોડુભાઈ પઢિયારને ૧ મત મળતાં પ્રમુખ તરીકે દિગ્વિજયસિંહ જાડેજાનો ૧૨ મતે વિજય થયો હતો. મહામંત્રી પદની ચુંટણીમાં કુલ ૪૭૨ નું મતદાન થયું હતું આ પૈકી ૪૬૯ મતો માન્ય રહ્યા હતા જ્યારે ૩ મતો અમાન્ય રહ્યા હતા. માન્ય મતો પૈકી જૈમિન પટેલને ૨૨૭ મતો, સુરતાન કટારાને ૨૧૮ જ્યારે જીજ્ઞેશ ગોરને ૧ મત મળતા મહામંત્રી તરીકે જૈમિન પટેલનો ૯ મતે વિજય થયો હતો. પ્રમુખ અને મહામંત્રીની આ ચુંટણીમાં થયેલ મતદાન પૈકી ૨૩ મતો અલગથી શીલ બંધ કવરમાં મૂકવામાં આવ્યા હતા જેની ગણતરી કરવામાં નહોતી આવી. પ્રમુખ અને મહામંત્રી માટે અનુક્રમે ખોડુભાઈ પઢિયારે સંજય દવેને જ્યારે જીજ્ઞેશ ગોરે સુરતાન કટારાને ચૂંટણી પહેલાં ટેકો જાહેર કર્યો હતો. આ વખતે ચુંટણીમાં ભારે રસાકસી જોવા મળી હતી, પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાને પ્રથમ ત્રણ ટર્મમાં લીડ સતત વધી હતી આ વખતે સૂર્યોદય પેનલે ટક્કર આપતા લીડ ઘટી હતી.

Back to top button
error: Content is protected !!