સાવરકુંડલામાં સામાજિક વનીકરણ રેન્જ અને સદભાવના ગ્રુપ દ્વારા ૧૦૦૦ રોપાનું વિનામૂલ્યે વિતરણ*
*યોગેશ કાનાબાર રાજુલા
સાવરકુંડલામાં સામાજિક વનીકરણ રેન્જ અને સદભાવના ગ્રુપ દ્વારા ૧૦૦૦ રોપાનું વિનામૂલ્યે વિતરણ*
*ઉષામૈયાના આશીર્વાદ અને ધારાસભ્ય તેમજ વન વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં પર્યાવરણ જાગૃતિનો પ્રસાર*
સાવરકુંડલા પર્યાવરણ સંરક્ષણ અને શહેરમાં હરિયાળી વધારવાના ઉમદા હેતુ સાથે, સાવરકુંડલાના સામાજિક વનીકરણ રેન્જ તેમજ અગ્રણી સામાજિક સંગઠન, સદભાવના ગ્રુપ દ્વારા આજે ‘એક પેડ મા કે નામ’ શીર્ષક હેઠળ એક ભવ્ય રોપા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રિદ્ધિ સિદ્ધિ ચોક ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ૧૦૦૦થી વધુ ફૂલછોડના રોપાઓનું શહેરીજનોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ પરમ પૂજ્ય ઉષામૈયા શિવ દરબાર આશ્રમ (કાનાતળાવ) ના શુભ આશીર્વાદથી સંપન્ન થયો હતો. આ પ્રસંગે સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા તેમજ વન વિભાગના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સદભાવના ગ્રુપના આ પ્રશંસનીય કાર્યને બિરદાવ્યું હતું, જે ‘ગ્રીન સન્ડે, ગ્રીન સાવરકુંડલા’ અભિયાનને વેગ આપશે.
સદભાવના ગ્રુપ દ્વારા સામાજિક વનીકરણ રેન્જ, સાવરકુંડલા ના સહયોગથી ગુલાબ, ટગર, જામફળી, જાસુદ, ગ્રીન ટી, અને કરેણ જેવા વિવિધ પ્રકારના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના આયોજકોના જણાવ્યા મુજબ, શહેરીજનોમાં આ પહેલ પ્રત્યે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રોપા મેળવવા માટે શહેરીજનોએ અગાઉથી જ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને સવારે દસ વાગ્યાથી જ રોપા મેળવવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
સદભાવના ગ્રુપ દ્વારા ‘એક પેડ મા કે નામ’ ના સૂત્ર સાથે પર્યાવરણ સંરક્ષણનો આ સંદેશો શહેરભરમાં પહોંચાડવામાં આવ્યો હતો. આવા કાર્યક્રમો સાવરકુંડલાને વધુ લીલુંછમ અને સ્વચ્છ બનાવવામાં મદદરૂપ થશે તેમજ શહેરીજનોમાં પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ વધારશે. સદભાવના ગ્રુપ ભવિષ્યમાં પણ આવી સામાજિક અને પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓ ચાલુ રાખવા કટિબદ્ધ છે.