
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લામાં હાલ સાર્વત્રિક ભારે વરસાદના કારણે નદીઓ, નાળાઓ અને ઝરણાઓમાં ઘોડાપૂર આવી રહ્યા છે.આવી ગંભીર અને જોખમી પરિસ્થિતિમાં વહીવટીતંત્ર અને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ડાંગ-આહવા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી નદી, તળાવ, ચેકડેમ અને ધોધમાં પ્રવેશવા કે ઉતરવા પર સખત પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આમ છતાં, સોશિયલ મીડિયા પર વિડિયો વાયરલ કરી લાઈક્સ અને ફોલોઅર્સ મેળવવાના મોહમાં કેટલાક આહવાનાં યુવાનો પોતાના જીવના જોખમે ખતરનાક સ્ટંટ કરતા અટકતા નથી. આવો જ એક કિસ્સો ડાંગ જિલ્લામાં સામે આવ્યો છે, જ્યાં ધસમસતા પૂરમાં રિવર રાફ્ટિંગનો સ્ટંટ કરનારા આહવાનાં ૬ યુવકો સામે ડાંગ SOG પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે. ઘટનાની વિગતો અનુસાર, ડાંગ જિલ્લાના આહવા તાલુકાના દેવીનામાળ ખાતે આવેલ ખાપરી નદીમાં વડદહાડ પુલ પાસે ૨૬ જુલાઈ ૨૦૨૬ના રોજ આહવાનાં ૬ યુવકોએ એક દેશી બોટ (તરાપા જેવું સાધન) લઈને ધસમસતા પૂરના પાણીમાં રિવર રાફ્ટિંગ કરવાનો અત્યંત જોખમી સ્ટંટ કર્યો હતો. યુવકોએ આ ભયાનક સ્ટંટનો વિડિયો શૂટ કરી પોતાની ઇન્સ્ટાગ્રામ આઇડી પર રીલ બનાવીને અપલોડ કર્યો હતો. આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ ડાંગ પોલીસ હરકતમાં આવી હતી.ડાંગ જિલ્લા પોલીસ વડા પૂજા યાદવનાં માર્ગદર્શન હેઠળ SOG પોલીસ સબ ઇન્સપેક્ટર એમ. જી. શેખ અને તેમની ટીમે વાયરલ વિડિયો અને ઇન્સ્ટાગ્રામ આઇડીના આધારે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.પોલીસે વાયરલ વિડિયોના આધારે સ્ટંટ કરનાર તમામ છ યુવકોની ઓળખ કરી લીધી હતી અને તેમને ઝડપી પાડી ડાંગ આહવા SOG શાખા ખાતે લાવી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ડાંગ એસ.ઓ.જી પોલીસે (૧) કૌશિકભાઈ જયરામભાઈ જાદવ,(૨) બાલકૃષ્ણભાઈ મહેન્દ્રભાઈ દેશમુખ,(૩) તેજસભાઈ મધુભાઈ ગાયકવાડ,(૪)દિલીપભાઈ મહેશભાઈ દેસાઈ,(૫)તુષારભાઈ રાજેશભાઈ ચૌધરી,(૬)મનિષભાઈ રાજેશભાઈ તુંબડા (તમામ રહે.આહવા ) ની અટક કરી છે.પોલીસ તંત્ર દ્વારા પ્રજામાં દાખલો બેસે અને અન્ય કોઈ આવી ભૂલ ન કરે તે હેતુથી આ કાર્યવાહી કરવામાં આવી છે. ડાંગ પોલીસ દ્વારા સામાન્ય જનતા અને યુવાનોને અપીલ કરવામાં આવી છે કે ચોમાસાની આ ગંભીર પરિસ્થિતિમાં સોશિયલ મીડિયામાં વાહવાહ મેળવવા માટે નદીઓ, ધોધ કે પૂરના પાણીમાં ઉતરી પોતાના કે અન્યોના જીવ જોખમમાં મૂકે તેવા ખતરનાક સ્ટંટ ન કરવા. જાહેરનામાનો ભંગ કરનાર સામે આવી જ રીતે કડકમાં કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે..




