વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
આહવા: તા.૫:ડાંગ જિલ્લાના દક્ષિણ વન વિભાગ દ્વારા આજરોજ ૫ મી જૂન ‘વિશ્વ પર્યાયવરણ દિવસ’ ની ઉજવણી નિમિત્તે ડાંગ અને ગુજરાતના પ્રખ્યાત ગીરા ધોધ ખાતે અહિં વન કર્મીઓ દ્વારા પ્લાસ્ટિક પ્રદૂષણને દુર કરી, વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજી ‘વિશ્વ પર્યાયવરણ દિવસ’ ની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે દક્ષિણ ડાંગ વન વિભાગના મદદનીશ વન સંરક્ષક શ્રીમતી આરતી ડામોરે, પર્યાવરણની જાળવણી અંગે જરૂરી માર્ગદર્શન અને સુચનો કરી પ્રવાસન સ્થળે સ્વચ્છતા જાળવી રાખવા સૌ પ્રવાસીઓને આહ્વના કર્યું હતું.
આ કાર્યક્રમમાં વન કર્મીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં આર.એફ.ઓશ્રી, બિટગાર્ડ, રેંન્જ સ્ટાફ તેમજ સ્થાનિક વન મંડળીઓના પ્રમુખ મંત્રીશ્રીઓએ ગીરાધોધની આસપાસ કચરાની સાફસફાઇ કરી વૃક્ષારોપણ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા ચાલુ વર્ષે ૫ મી જૂન વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી નિમિત્તે “વેશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” ની થીમ નક્કી કરવામાં આવી છે. આ થીમ અંતર્ગત ડાંગ જિલ્લામાં શાળાના વિદ્યાર્થીઓ, કોલેજ, શૈક્ષણિક સંસ્થાઓ સાથે તમામ સરકારી કચેરીઓ, ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત, સખી મંડળો, ખેડુત સહકારી મંડળીઓ, વિવિધ સંસ્થાઓ, એન.જી.ઓ વિગેરેમાં સેમિનાર રેલીઓ યોજી વ્યાપકપણે પ્લાસ્ટિકથી થતાં પ્રદૂષણ અંગે લોકોમાં જાગૃકતા લાવવાના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો, સિંગલ યુઝ પ્લાસ્ટિકના બદલે ટકાઉ વસ્તુઓનો ઉપયોગ કરવો, પ્લાસ્ટિક કચરાનો નિકાલ કરવો, વૃક્ષો વાવવા, પર્યાવરણને પ્રદૂષણ મુક્ત બનાવવા અંગે લોકોમાં જાગૃકતા ફેલાવાઈ રહી છે.