
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
મુંદરા CHC હોસ્પિટલ અને આરોગ્ય સુવિધાઓ અંગેના સમાચાર સંદર્ભે વિશેષ સ્પષ્ટતા:
મુન્દ્રા, તા. ૯:
તાજેતરમાં ‘વાત્સલ્યમ્ સમાચાર’ દૈનિકમાં પેજ નં. ૪ પર મુન્દ્રા તાલુકાની સરકારી આરોગ્ય સુવિધાઓ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ને અપગ્રેડ કરવા અંગે પ્રકાશિત થયેલા અહેવાલ સંદર્ભે સામાજિક કાર્યકર શ્રી હરેશ કરમશી મોથારીયા તથા તંત્રી વિભાગ દ્વારા સંયુક્ત સ્પષ્ટતા કરવામાં આવે છે.
૧. હરેશભાઈ મોથારીયાની મૂળ પ્રજાકીય રજૂઆત: સામાજિક કાર્યકર શ્રી હરેશ મોથારીયા દ્વારા રાજ્યના આરોગ્ય મંત્રીશ્રી તથા ઉચ્ચ વહીવટી તંત્રને કરવામાં આવેલી રજૂઆતનો મુખ્ય વિષય મુન્દ્રા CHC હોસ્પિટલને સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ (SDH) માં રૂપાંતરિત કરવી, ૧૦૦ બેડની મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનાવવી, ગાયનેકોલોજિસ્ટ સહિતના નિષ્ણાત તબીબોની કાયમી ભરતી કરવી, X-Ray ટેકનિશિયનની ભરતીના માપદંડોમાં સ્થાનિક ડિપ્લોમાધારક યુવાનો માટે સાનુકૂળ ફેરફાર કરવો અને ૨૪×૭ ટ્રોમા સેન્ટર શરૂ કરવાનો જ હતો.
2. એક લાખ લોકોના રસોડાની જાહેરાતનો સકારાત્મક સંદર્ભ: અહેવાલમાં અદાણી ગ્રુપ દ્વારા મુન્દ્રા-ખાવડા વિસ્તારમાં ૫૦,૦૦૦ શ્રમિકો માટે AC આવાસ અને દૈનિક ૧,૦૦,૦૦૦ લોકો માટે પૌષ્ટિક ભોજન પૂરૂં પાડવાના સોશિયલ અને પ્રિન્ટ મીડિયામાં આવેલા સત્તાવાર અહેવાલોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ ઉલ્લેખ કોઈ સંસ્થા કે કંપની સામે આક્ષેપ કરવાના આશયથી નહીં, પરંતુ મુન્દ્રા તાલુકામાં શ્રમિકો અને સ્થાનિક નાગરિકોની વસ્તીમાં થયેલા વિરાટ વધારાના સકારાત્મક પુરાવા તરીકે કરવામાં આવ્યો હતો. હેતુ માત્ર એટલો જ હતો કે આ વસ્તી વધારાના આંકડાઓને ધ્યાને રાખીને સરકારશ્રી દ્વારા મુન્દ્રાને સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની મંજૂરી વહેલી તકે મળે.
3. મીડિયા અહેવાલો અને સંયુક્ત પ્રયાસ: પ્રતિષ્ઠિત દૈનિક અખબારોમાં અવારનવાર પ્રસિદ્ધ થતા સ્થાનિક આરોગ્ય વિષયક અહેવાલો અને તાલુકા આરોગ્ય તંત્રની કામગીરીના તથ્યોને સાંકળીને આ પ્રેસનોટ સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવી હતી, જેથી હરેશભાઈની રજૂઆતને વહીવટી સ્તરે વધુ અસરકારક અને મજબૂત બનાવી શકાય.
4. સંપાદકીય સ્પષ્ટતા: વિસ્તૃત સંકલન દરમિયાન ઔદ્યોગિક કાયદાકીય જોગવાઈઓ કે આંદોલન/PIL અંગેના જે વાક્યો ઉમેરાયા હતા, તે હરેશભાઈની મૂળ રજૂઆતનો ભાગ ન હતા. જનહિતના પ્રશ્નને પૂરી માહિતી સાથે વાચા આપવાના સકારાત્મક આશયથી થયેલી આ સરતચૂક બદલ આ સ્પષ્ટતા પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વાત્સલ્યમ્ સમાચાર અને સામાજિક કાર્યકર શ્રી હરેશ મોથારીયાનો એકમાત્ર ધ્યેય મુન્દ્રા તાલુકાની જનતાને ઉત્તમ અને અદ્યતન સરકારી આરોગ્ય સેવાઓ પ્રાપ્ત થાય તે જ છે.
-તંત્રી, વાત્સલ્યમ્ સમાચાર
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




