વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે ખાસ રિપોર્ટ: ગુજરાતમાં રેડ ક્રોસનો અનોખો પ્રિવેન્શન મોડેલ બનાવે છે દેશ માટે ઉદાહરણ
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: થેલેસેમિયા અને સિકલ સેલ રોગ જેવી હિમોગ્લોબિનોપથીઝ સામે જાગૃતિ અને નિવારણ માટે ગુજરાત રાજ્યમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા અમલમાં મૂકાયેલો ‘થેલેસેમિયા અને સિકલ સેલ પ્રિવેન્શન પ્રોગ્રામ’ સમગ્ર દક્ષિણ-પૂર્વ એશિયામાં સૌથી મોટો અને સફળ મોડેલ સાબિત થયો છે.
વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે જાહેર થયેલી માહિતી અનુસાર, વર્ષ ૨૦૦૪થી શરૂ કરાયેલો આ પ્રોગ્રામ હવે ૨૦૨૫ સુધી ૪૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ, એક લાખથી વધુ હાઇ રિસ્ક યુવાનો અને લાખો ગર્ભવતી મહિલાઓ સુધી પહોંચ્યો છે.
વિશ્વ થેલેસેમિયા દિવસની આ વર્ષની થીમ ‘થેલેસેમિયા સામે એક થઈએ: સમુદાયોને સાથે લાવીએ અને દર્દીને પ્રાથમિકતા આપીએ’ને અનુરૂપ ગુજરાત રેડ ક્રોસે ત્રણ તબક્કામાં યોજાતા સ્ક્રિનિંગ અને જાગૃતિ કાર્યક્રમો દ્વારા આરોગ્યસંચેતનનું વધુ મજબૂત દ્રષ્ટિકોણ વિકસાવ્યું છે.
રેડ ક્રોસ દ્વારા થેલેસેમિયા અને સિકલ સેલ રોગો માટે:
કુલ ૪૦,૭૨,૭૩૮ વિદ્યાર્થીઓનું સ્ક્રિનિંગ
હાઇ રિસ્ક સમુદાયના ૧,૨૧,૧૭૨ યુવાનોનું સ્ક્રિનિંગ
૯,૭૭,૦૬૭ ગર્ભવતી મહિલાઓનું સ્ક્રિનિંગ કરી
૨૬૫૯ કિસ્સામાં પ્રિ-નેટલ ડાયગ્નોસિસથી ૬૧૩ થેલેસેમિક બાળકોના જન્મને અટકાવ્યા
આ ઉપરાંત, રેડ ક્રોસ સંસ્થાએ વિવિધ સમાજસંસ્થાઓના સહયોગથી ‘સેફ મેરેજ’ પ્રેક્ટિસ દ્વારા લગ્ન પહેલા જ થેલેસેમિયા કેરિયર ઓળખવા માટે પણ મહત્વનો અભિગમ અપનાવ્યો છે.
પ્રેમેરિટલ સ્ક્રિનિંગથી લઈ અંતરગર્ભીય ચકાસણી સુધીના પગલાં દર્દી અને તેના પરિવારને અવેરનેસ તથા જીવનચર્યા અંગે માર્ગદર્શન પૂરૂં પાડે છે.
રેડ ક્રોસ ગુજરાતના ચેરમેન અજય પટેલ અનુસાર આગામી સમયમાં વધુ વિસ્તારોમાં જાગૃતિ અભિયાન શરૂ કરી, વધુ સક્ષમ ડાયગ્નોસ્ટિક સુવિધાઓ ઊભી કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
આ અનોખી કામગીરી બદલ રેડ ક્રોસના જનરલ સેક્રેટરી પ્રકાશ પરમારને ‘એમ્પ્લોઈ ઓફ ધ યર ૨૦૨૨-૨૩’ એવોર્ડથી નવી દિલ્હી ખાતે ૧૩મી મેના રોજ સન્માનિત કરાશે.
‘થેલેસેમિયા મુક્ત ગુજરાત’ના લક્ષ્ય સાથે રેડ ક્રોસના સતત પ્રયાસો રાજ્ય માટે ગૌરવજનક સિદ્ધ થયા છે.