SRF ફાઉન્ડેશન દ્વારા પી.એમ.શ્રી થવા બ્રાન્ચ પ્રાથમિક શાળા ખાતે સ્પોર્ટ્સ ડે – ૨૦૨૫-૨૬નું ભવ્ય આયોજન.

SRF ફાઉન્ડેશન દ્વારા પી.એમ.શ્રી થવા બ્રાન્ચ પ્રાથમિક શાળા ખાતે સ્પોર્ટ્સ ડે – ૨૦૨૫-૨૬નું ભવ્ય આયોજન.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
શિક્ષણ વિભાગ, જિલ્લા પંચાયત ભરૂચના સહયોગથી SRF Foundation દ્વારા ગ્રામીણ શિક્ષણ કાર્યક્રમ હેઠળ તારીખ ૩૧/૦૧/૨૦૨૬ શનિવારના રોજ પી.એમ.શ્રી થવા બ્રાન્ચ પ્રાથમિક શાળા ખાતે સ્પોર્ટ્સ-ડે ૨૦૨૫-૨૬નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય બાળકોને રમતગમત સ્પર્ધાઓમાં ભાગ લેવાની તક, સ્પર્ધાત્મક ભાવના, આત્મવિશ્વાસ કેળવવાનો, વિદ્યાર્થીઓ, શિક્ષક, શાળા અને સમુદાયનું રમતગમત પ્રત્યે સકારાત્મક વલણ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો હતો.
સ્પોર્ટ્સ-ડેમાં નેત્રંગની ૧૮ શાળાઓએ સક્રિયપણે ભાગ લીધો હતો. જેમાં કુલ ૪૫૦ (મહેમાનો, વિદ્યાર્થીઓ અને શિક્ષકો) સહભાગીઓની હાજરી ઉપસ્થિત હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે બી.જી.વસાવા (આસિસ્ટન્ટ કમિશનર, કુટિર ઉદ્યોગ, ભરૂચ) તેમજ તમામ શાળાના આચાર્ય, રમતોત્સવ ટ્રેનર, શિક્ષકો અને SRF Foundation ટીમ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત પરેડ અને માસડ્રીલથી કરવામાં આવી હતી. સ્પોર્ટ્સ-ડેમાં ૧૦ રમતોમાં ધોરણ ૩ થી ૮નાં કુલ ૩૬૦ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં ૧૮૦ કન્યા અને ૧૮૦ કુમાર હતા. સહભાગીઓ અને ભાગ લેનાર શાળાઓની નોંધણી કરવામાં આવી હતી. રમત આયોજન: ટ્રેનર રવિભાઈ, અર્જુનભાઈ અને આશિષભાઈ દ્વારા આચાર્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓને એકત્ર કરી, જે તે રમત, મેદાન અને નિયમો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું ત્યારબાદ ૧૦૦, ૨૦૦ મી. દોડ, લંગડી દોડ, કોથળા કુદ, લાંબી કુદ, લીંબુ ચમચી, થ્રો ધ ગ્લાસ, તેજ ચાલ અને ગોળા ફેંક જેવી રમતો ક્રમિક રીતે બાળકોને રમાડવામાં આવી હતી. રમતોત્સવ દરમિયાન બાળકો અને શિક્ષકોમાં બહોળો ઉત્સાહ જોવા મળ્યો. દરેક રમતોમાંથી કુમાર અને કન્યાને પ્રથમ, દ્વિતીય અને તૃતીય એમ ત્રણ નંબર આપવામાં આવ્યા હતા.
ઈનામ વિતરણ કાર્યક્રમ મહેમાનો, આચાર્યો અને શિક્ષકોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રોગ્રામ ઓફિસર જીગ્નેશભાઈએ પોતાના વક્તવ્યમાં SRF Foundation વિશે ઝાંખી કરાવી અને સ્પોર્ટ્સ-ડે વિશે પ્રેરણાદાયી માહિતી આપી. ત્યારબાદ રમત પ્રમાણે વિજેતા બાળકોને સ્ટેજ પર બોલાવી મહેમાનોના હસ્તે ઈનામ વિતરણ કરવામાં આવ્યા હતા. વિજેતા બાળકોને મુખ્ય મહેમાન શ્રી બી. જી. વસાવા (આસિસ્ટન્ટ કમિશનર, કુટિર ઉદ્યોગ, ભરૂચ) દ્વારા બાળકોને કુલ 12000 રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ મુખ્ય મહેમાન શ્રી બી. જી. વસાવા સાહેબએ પોતાના પ્રવચનમાં રમતોત્સવનું મહત્વ અને ખેલદિલી પર પ્રકાશ પડ્યો હતો. રમતોત્સવને શિક્ષણનું પાસું ગણાવી, રમત-ગમતનાં ફાયદા અને શારીરિક, માનસિક વિકાસ પર માહિતી આપી હતી. અંતે જીગ્નેશભાઈ દ્વારા આભારવિધિ કરવામાં આવી અને કાર્યક્રમની પૂર્ણાહુતિ સુચારુ ભોજનની સાથે કરવામાં આવી હતી.



