GUJARATJUNAGADHMALIYA HATINA

ઉર્જા અને કાયદા રાજ્ય મંત્રી કૌશિકભાઇ વેકરીયાના હસ્તે ૮૦માં સ્વાતંત્ર્ય પર્વે માળીયાહાટીના ખાતે ધ્વજ વંદન : રાષ્ટ્રધ્વજને સલામી આપી પરેડ નિરીક્ષણ કર્યું

ઉર્જા અને કાયદા રાજ્ય મંત્રી કૌશિકભાઇ વેકરીયાના હસ્તે ૮૦માં સ્વાતંત્ર્ય પર્વે માળીયાહાટીના ખાતે ધ્વજ વંદન : રાષ્ટ્રધ્વજને સલામી આપી પરેડ નિરીક્ષણ કર્યું

ઉર્જા અને કાયદા રાજય મંત્રીશ્રી અને જૂનાગઢ જિલ્લાના સહપ્રભારી મંત્રીશ્રી કૈાશિકભાઈ વેકરીયા એ ૮૦માં સ્વાતંત્ર્ય પર્વે જિલ્લાના માળીયાહાટીના તાલુકાના સમસ્ત હાટી ક્ષત્રીય સમાજ ખાતે ધ્વજવંદન કર્યું હતું. આ સાથે તેમણે રાષ્ટ્રધ્વજને સલામી આપી ખુલ્લી જીપમાં પરેડ નિરીક્ષણ કર્યું હતું.મંત્રીશ્રી કૈાશિકભાઈ વેકરીયાએ નાગરિકોને સ્વાતંત્ર્ય દિનની શુભકામનાઓ પાઠવી હતી. આ રાષ્ટ્રીય પર્વના અવસરે મંત્રી શ્રી કૈાશિકભાઈ વેકરીયાએ જણાવ્યું કે, દેશમાં આઝાદીનું અમૃત પર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે સ્વાભિમાન પૂર્વક આપણે કહી શકીએ છીએ કે આઝાદીનું બીજ ગુજરાતથી વવાયું હતું. મહાત્મા ગાંધીએ સ્વરાજ લેવાની નેમ લીધી હતી એ દિવસથી સમગ્ર ભારતમાં આઝાદીનું પર્વ ઉજવાઈ રહ્યું હતું.દેશના અનેક મહાપુરુષોએ આઝાદી અપાવવા માટે ખૂબ મોટી લડાઈ લડી, અનેક યુવાનોએ જાનની બાજી લગાવી, યુવાની જેલમાં ખપાવી દીધી,અનેક યાતનાઓ સહન કરી, અનેક કષ્ટ વેઠયા, કુટુંબના કુટુંબ ઉજળી ગયા એ સંઘર્ષ યાત્રાના ફળ સ્વરૂપ વર્ષ ૧૯૪૭માં આપણે આઝાદીના ફળ ચાખ્યા.દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત બનાવવાની નેમને સાકાર કરવા એક પછી એક નિર્ણયો લીધા હતા.જેમા સરદાર સરોવર ડેમની ઉંચાઈ, નર્મદા કેનાલ ,સૌની યોજના થકી નર્મદાના નીર સૌરાષ્ટ્રના છેવાડાના ગામડાઓ સુધી પહોંચાડવાનું ભગીરથ કામ, વિશ્વકક્ષાની વાયબ્રન્ટ ગુજરાત સમિટ તેમજ રાજ્યના ગામે ગામ જ્યોતિગ્રામ યોજના થકી ૨૪ કલાક વીજળીકરણ સહિતના આવા અનેક નિર્ણયોને કારણે ગુજરાતની ગણતરી ભારતના વિકસિત રાજ્યોમાં થાય છે.ગુજરાતના નાગરિકોને શાંતિ, સુરક્ષા અને સલામતી મળે એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં આપણું પોલીસ તંત્ર ગુનાઓ સામે ‘ઝીરો ટોલરન્સ’ નીતિ હેઠળ સરાહનીય કામગીરી કરી રહ્યું છે. ગુજરાતની એટીએસ ટીમે ૧૬૦૦ કિમીની દરિયાઈ સીમા પરથી ૭૫ થી વધુ પાકિસ્તાની ઘૂસણખોરોને સીમા પર જ દબોચી લઈ ૧૪ થી વધુ રાજ્યોમાં ડ્રગ્સ નેટવર્કને તોડ્યું છે. વિશ્વ જ્યારે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહ્યું છે ત્યારે ૨૦૩૦ સુધીમાં ભારતની કુલ ઊર્જા ક્ષમતામાંથી ૫૦૦ ગીગાવોટ ઊર્જા રીન્યુએબલ એનર્જીમાંથી ઉત્પન્ન કરવાનો લક્ષ્ય રાખ્યો છે. જેમાંથી ૨૦ ટકા એટલે કે ૧૦૦ ગીગાવોટ જેટલી ક્લીન એન્ડ ગ્રીન એનર્જી ઉત્પન્ન કરવાનો સંકલ્પ ગુજરાત સરકારે કરેલ છે. ‘‘એક પેડ માઁ કે નામ’’ અંતર્ગત ૧૭ કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર કરીને પર્યાવરણ સુરક્ષામાં રાજ્ય દેશમાં બીજા ક્રમે રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સહકારથી સમૃદ્ધિ’ અને ‘વિકસિત ભારત @ 2047’ના સંકલ્પને સાકાર કરવા રાજ્ય સરકારે કૃષિ ક્ષેત્રે ઐતિહાસિક નિર્ણયો લઈ રહી છે. કુદરતી આફતો સમયે સરકારે છેલ્લા ૧૦ વર્ષમાં ૧.૩૬ કરોડ ખેડૂતોને રૂપિયા ૨૨ હજાર ૭૩૩ કરોડની રાહત ચૂકવી છે. જેમાં માત્ર એક જ વર્ષમાં ૩૬.૭૪ લાખ ખેડૂતોને રૂપિયા ૧૦ હજાર ૩૩૭ કરોડ આપ્યા છે. સુજલામ-સુફલામ યોજના, કલ્પસર યોજના, નર્મદા યોજના અને સૌની યોજના થકી ગુજરાત જળ-સમૃદ્ધિની દિશામાં ઐતિહાસિક રીતે આગળ વધી રહ્યું છે. રાજ્ય સરકાર યુવાનોને સરકારી અને ખાનગી ક્ષેત્રે રોજગાર પૂરો પાડવા તેમજ ઉદ્યોગોને વૈશ્વિક કક્ષાનું માળખું આપવા માટે સતત કાર્યરત છે. ‘વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટ ૨૦૨૬’નું ઉત્તર ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સફળ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ સમિટ્સમાં સાડા ૧૭ લાખ કરોડના રોકાણો થવાથી રાજ્યમાં અંદાજે ૧૫ લાખ યુવાનો માટે રોજગારીની તકો ઉભી થશે. ગુજરાત દેશનું પ્રથમ એવું રાજ્ય બન્યું છે જેણે ‘સેમિ કન્ડક્ટર પોલિસી’ જાહેર કરી છે અને રાજ્યને અગ્રણી સેમિ કન્ડક્ટર હબ તરીકે પ્રસ્થાપિત કર્યું છે. ૨૪મી કોમનવેલ્થ ગેમ્સ (૨૦૩૦)ની યજમાનીના ગૌરવ સાથે ગુજરાત આજે આત્મનિર્ભર અને વિકસિત ભારતના નિર્માણમાં અગ્રેસર ભૂમિકા ભજવી રહ્યું છે.મંત્રી શ્રી એ જૂનાગઢ જિલ્લાની છેલ્લા એક વર્ષની કાર્ય સિદ્ધિનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે જગતના તાત એવા ખેડૂતોના કલ્યાણ માટે જૂનાગઢ જિલ્લામાં પી.એમ. કિસાન સન્માન નિધિના ૨૩મા હપ્તા હેઠળ ૧.૪૨ લાખથી વધુ ખેડૂતોના ખાતામાં રૂ. ૨૯.૬૩ કરોડ જમા કરવામાં આવ્યા છે. ગત વર્ષે મગફળી અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરી કુલ રૂા. ૧ લાખ ૬૮ હજાર ૩૧૯ની રકમ સીધી જ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શનમાં ખેડૂતોને ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી સાથે જોડવા માટે વિશેષ અભિયાન અપનાવવામાં આવ્યું છે. આપણા જૂનાગઢ જિલ્લાના ખેડૂતોએ ‘પ્રાકૃતિક કૃષિ – એક સ્વસ્થ ભવિષ્ય’ના રાજ્ય સરકારના સંકલ્પને સાકાર કરવામાં અગ્રેસર ભૂમિકા ભજવી છે. જૂનાગઢ જિલ્લાના ૨૫ હજાર ૮૮૬ થી વધુ ઉત્સાહી ખેડૂતો ૧૪ હજાર ૭૭૪ એકરથી વધુ વિસ્તારમાં સંપૂર્ણ રસાયણમુક્ત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. સરકારશ્રીની પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુફ્ત બીજલી યોજના હેઠળ PGVCL જૂનાગઢ વર્તુળ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૪૨ હજાર ૩૪૮ રજીસ્ટ્રેશન અને ૩૩ હજાર ૬૩૮ સોલાર કનેક્શનો આપીને ઊર્જા ઉત્પાદનને નવું બળ પૂરું પાડવામાં આવ્યું છે. અમૃત ૨.૦ યોજના હેઠળ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા રૂ ૨૯.૧૪ કરોડના ખર્ચે વાઘેશ્વરી તળાવ બ્યુટીફીકેશનની કામગીરી પૂર્ણતાના આરે છે. કામગીરી પૂર્ણ થયે થી જૂનાગઢ વાસીઓને ફરવા માટે નવું નજરાણું મળશે. જિલ્લા કલેકટર શ્રી યોગેશ ચૈાધરીના માર્ગદર્શન હેઠળ સ્વાતંત્ર્ય પર્વની ગર્વભેર ભવ્ય ઉજવણી કરાઇ હતી.આન,બાન અને શાન સાથે થયેલી આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિસભર અને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે મંત્રી શ્રીના હસ્તે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર અને સરકારી સેવામાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર કર્મયોગીઓ,રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું હતું.મંત્રીશ્રીના હસ્તે તાલુકા વિકાસ અધિકારીશ્રીને માળીયાહાટીના તાલુકાના વિકાસકામો માટે રૂ. ૨૫ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે મંત્રી શ્રી સહિતના મહાનુભાવોએ પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું.આ પ્રસંગે સાસંદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી લીનાબેન કાવાણી , ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠીયા, પૂર્વ ધારાસભ્ય શ્રી બાબુભાઈ વાજા,જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંતસિહ રાઠૈાર,જિલ્લા પોલીસ વડા શ્રી સુબોધ ઓેડદરા,નિવાસી અધિક કલેકટર શ્રી બી.એસ.બારડ,પ્રાંત અધિકારીશ્રી સી.પી.હિરવાણીયા, ડીઆરડીએ નિયામક શ્રી પી.એ. જાડેજા,અગ્રણી શ્રી કિરીટ પટેલ, શ્રી વિપુલભાઈ કાવાણી સહિતના પદાધિકારીઓ, અધિકારી, વિદ્યાર્થીઓ અને હોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!