
ફૈઝ ખત્રી..શિનોર
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી ગામે સ્ટેટ મોનિટરિંગ સેલ, ગાંધીનગરની ટીમે મોટી કાર્યવાહી કરતાં ખુલ્લા મેદાનમાં ચાલી રહેલા જુગારધામ પર દરોડો પાડી 14 જુગારીઓની ધરપકડ કરી છે. જ્યારે બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે રોકડ, મોબાઇલ ફોન, વાહનો સહિત કુલ ₹12.71 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ માટે સમગ્ર કેસ શિનોર પોલીસને સોંપ્યો છે.
સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એસ. ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ મળેલી ચોક્કસ બાતમીના આધારે સાધલી-કાયાવરોહણ રોડ પર લાસી ફાર્મ સામે રેલવે પાટાની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં ખુલ્લેઆમ જુગાર રમાઈ રહ્યો હતો.
દરોડા દરમિયાન પોલીસે ₹2,40,000 રોકડા, 16 મોબાઇલ ફોન (કિંમત ₹81,000), એક ટુ-વ્હીલર (કિંમત ₹50,000) તથા બે ફોર-વ્હીલર (કિંમત ₹9,00,000) મળી કુલ ₹12,71,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે આરિફ સિંધી, સોહેલ મિર્ઝા, અજય માછી, હસન સિંધી, પ્રવિણચંદ્ર રાણા, જહીર શેખ, હાર્દિક પટેલ, રાજેશ જાની, અજય વસાવા, ચંદ્રેશ તડવી, ફારૂક મેમણ, સબ્બીર પઠાણ, અશોક જોટંગીયા અને સમીર સિંધી સહિત કુલ 14 આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે અસલમ મન્સુરી અને ઐયુબ પઠાણ ફરાર હોવાથી તેમને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
સમગ્ર મામલે જુગાર ધારા કલમ-12 તથા ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-112(2) હેઠળ ગુનો નોંધી સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમે પકડાયેલા આરોપીઓ અને જપ્ત કરાયેલ મુદ્દામાલને વધુ તપાસ અર્થે શિનોર પોલીસને હવાલે કર્યો છે.




