કામરેજના વેલંજામાં સરકારી તળાવ ખોદકામના નામે મોટું કૌભાંડ? બ્લોક નં. ૩૯૮ માં ખેડૂતની લેખિત રજૂઆત છતાં ભૂસ્તરશાસ્ત્રી ભૂષણ શાસ્ત્રી કેમ મૌન?

વેલંજા (સુરત):
કામરેજ તાલુકાના વેલંજા ગામમાં સરકારી તળાવ ખોદકામની મંજૂરીના નામે મોટો ભ્રષ્ટાચાર અને અધિકારીઓની મિલીભગત સામે આવતા સ્થાનિક ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સરકારી નિયમોને નેવે મૂકીને અરજદાર અને ભૂસ્તરશાસ્ત્રી સહિતના ઉચ્ચ અધિકારીઓએ ભેગા મળીને જે ખેલ ખેલ્યો છે, તેનાથી સ્થાનિક ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. જગતનો તાત આજે પોતાની જમીન બચાવવા માટે રોવા મજબૂર બન્યો છે.
ઑન-પેપર રમત: 6 મીટર ઊંડા તળાવને બતાવ્યું માત્ર 2 મીટર!
મળતી માહિતી મુજબ, વેલંજા ગામમાં જે સરકારી તળાવના ખોદકામ માટે પરમિશન માંગવામાં આવી હતી, તે તળાવ સ્થળ પર ઓલરેડી અંદાજિત 6 થી 7 મીટર જેટલું ઊંડું ખોદાયેલું જ હતું. નિયમ મુજબ આટલા ઊંડા ખાડા બાદ વધુ ખોદકામની મંજૂરી આપી શકાય જ નહીં.
પરંતુ, જ્યારે જવાબદાર અધિકારીઓ સ્થળ વિઝિટ (Inspection) માટે આવ્યા, ત્યારે અરજદાર સાથેની કથિત મિલીભગતના કારણે આંખ આડા કાન કરવામાં આવ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. અધિકારીઓએ પોતાની આંખો બંધ રાખીને અથવા તો મોટા ‘વહીવટ’ના જોરે, આ 6-7 મીટર ઊંડા તળાવને માત્ર બે થી અઢી મીટર જેટલું જ ઊંડું હોવાનો ખોટો અને બોગસ રિપોર્ટ તૈયાર કર્યો છે.
બ્લોક/સર્વે નંબર ૩૯૮ નો મામલો: ખેડૂત રમણભાઈ આહિરની લેખિત રજૂઆત છતાં તંત્ર ઘોર નિદ્રામાં!
આ સમગ્ર કૌભાંડમાં સૌથી ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે, વેલંજા ગામના બ્લોક/સર્વે નંબર ૩૯૮ ઉપર આવેલ સરકારી તળાવના આડેધડ ખોદકામ સામે સ્થાનિક ખેડૂત રમણભાઈ સોમાભાઈ આહિર દ્વારા ગત તારીખ ૦૬/૦૬/૨૦૨૬ ના રોજ ભૂસ્તરશાસ્ત્રી ભૂષણ શાસ્ત્રીને રૂબરૂ લેખિત અરજી આપીને ગંભીર આક્ષેપો અને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
ખેડૂત રમણભાઈ આહિરે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે:
“બ્લોક/સર્વે નંબર ૩૯૮ વાળા સરકારી તળાવની બિલકુલ બાજુમાં જ મારી માલિકીની ખેતીની જમીન આવેલી છે. ચોમાસાના સમયમાં ભારે વરસાદને કારણે આ આડેધડ ખોદકામ લીધે મારી કિંમતી જમીનનું મોટાપાયે ધોવાણ થઈ જવાની પૂરેપૂરી સંભાવના છે. જો આ તળાવ વધુ ઊંડું કરાશે તો મારી જમીન નકામી થઈ જશે, માટે આ તળાવ ખોદવાની પરમિશન આપવામાં ન આવે.”
મોટો સવાલ: ખેડૂત રમણભાઈ દ્વારા ચોમાસા પહેલાં જ આટલી ગંભીર લેખિત ચેતવણી આપવા છતાં, ભૂસ્તરશાસ્ત્રી ભૂષણ શાસ્ત્રી દ્વારા આજદિન સુધી કોઈ કાયદાકીય પગલાં કેમ લેવામાં આવ્યા નથી? કોના ઈશારે અને કયા ફાયદા માટે ખેડૂતની આજીવિકાને જોખમમાં મૂકવામાં આવી રહી છે?
નિયમોના લીરેલીરા: ફરી 6 મીટર ખોદકામની આપી દીધી મંજૂરી!
અધિકારીઓના ખોટા અને ભેદભર્યા રિપોર્ટના આધારે અત્યારે આ તળાવમાં ફરીથી 6 મીટર જેટલું ઊંડું ખોદકામ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. જો આ મંજૂરી પ્રમાણે ખોદકામ ચાલુ રહેશે, તો તળાવની ઊંડાઈ અતિશય વધી જશે, જેના કારણે આજુબાજુની ખેતીની જમીનના ભૂગર્ભ જળ સ્તર પર માઠી અસર પડશે અને ચાલુ ચોમાસામાં જ આજુબાજુના તમામ ખેતરો ધોવાઈ જવાનો મોટો ભય ઊભો થયો છે.
ખેડૂતોમાં ભારે આક્રોશ, ‘જગતનો તાત’ રોતા નજરે પડ્યો
ભૂસ્તરશાસ્ત્રી અને સ્થાનિક તંત્રની આ ખુલ્લેઆમ મિલીભગતની વાત વાયુવેગે વેલંજા ગામમાં ફેલાતા ખેડૂતોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. મીડિયા સામે પોતાની વ્યથા ઠાલવતા કેટલાય સ્થાનિક ખેડૂતો રડી પડ્યા હતા.
સ્થાનિક ખેડૂતોનો ઉગ્ર આક્રોશ:
“અધિકારીઓ એસી ગાડીઓમાંથી ઉતરીને સીધા અરજદારોની બંધ ચેમ્બરોમાં બેસીને નિર્ણયો લે છે. સ્થળ પર તળાવ ઓલરેડી જોખમી રીતે ઊંડું છે, છતાં ભ્રષ્ટાચાર કરીને વધારે ખોદવાની પરમિશન આપી દીધી. જો ચોમાસામાં અમારા ખેતરો ધોવાઈ જશે તો અમે ક્યાં જઈશું? અમારા પરિવારોને શું ખવડાવીશું?”
ઉચ્ચ સ્તરે તપાસની માંગ: ગાંધીનગર સુધી પહોંચશે પડઘા
આ મામલે વેલંજાના પીડિત ખેડૂતો દ્વારા હવે ઉચ્ચ કક્ષાએ અને વિજિલન્સ વિભાગમાં રજૂઆત કરવાની આક્રમક તૈયારીઓ ચાલી રહી છે. ખેડૂતની લેખિત રજૂઆતને કચરાટોપલી ભેગી કરનાર ભૂસ્તરશાસ્ત્રી (ભૂષણ શાસ્ત્રી) અને ખોટો સ્થળ રિપોર્ટ બનાવનાર તમામ ભ્રષ્ટ અધિકારીઓ સામે તાત્કાલિક કડક પગલાં લેવામાં આવે અને આ ગેરકાયદેસર પરમિશન રદ કરવામાં આવે તેવી માંગ બુલંદ બની છે.
રિપોર્ટર કલ્પેશ ધામેલીયા કામરેજ સુરત








