કામરેજના શેખપુરમાં કચરો સળગાવતા રહીશોના આરોગ્ય સામે મોટો ખતરો

શેખપુર ગ્રામ પંચાયતની ઘોર બેદરકારી સામે આક્રોશ
અક્ષર વિલા સોસાયટી અને ઉડાન ઇન્ટરનેશનલ સ્કૂલ વચ્ચે કચરાના સામ્રાજ્યથી લોકો પરેશાન; રજૂઆતો છતાં તંત્ર નિષ્ક્રિય, હવે સરપંચ પતિએ આપી ૮ દિવસની ખાતરી
સ્થળ: કામરેજ, સુરત
સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આવેલા શેખપુર ગ્રામ પંચાયત વિસ્તારમાંથી સ્થાનિક તંત્રની ઘોર બેદરકારીનો એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શેખપુર વિસ્તારમાં આવેલી અક્ષર વિલા સોસાયટી અને ઉડાન ઇન્ટરનેશનલ સ્કૂલની વચ્ચે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા અવારનવાર મોટા પાયે કચરો સળગાવવામાં આવી રહ્યો છે. આ કચરો સળગવાને કારણે ફેલાતા ઝેરી ધુમાડાથી સ્થાનિક રહીશો તેમજ શાળાના માસૂમ બાળકોના આરોગ્ય સામે મોટો ખતરો ઊભો થયો છે.
રહીશોની વારંવારની રજૂઆતો છતાં પરિણામ શૂન્ય
સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, આ ગંભીર સમસ્યા અંગે શેખપુર ગ્રામ પંચાયતમાં અગાઉ અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં, પંચાયત વહીવટી તંત્ર દ્વારા આજ દિન સુધી આ બાબતે કોઈ યોગ્ય નિકાલ કરવામાં આવ્યો નથી. લોકોના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડાં થઈ રહ્યા હોવા છતાં તંત્ર દ્વારા દાખવવામાં આવી રહેલી આ ઉદાસીનતાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સરપંચ પતિએ આપી ખાતરી: “૮ દિવસમાં નિકાલ નહીં થાય તો જવાબદારી અમારી”
આ મામલે રહીશોનો આક્રોશ અને વિરોધ વધતા આખરે શેખપુર ગ્રામ પંચાયતના સરપંચ પતિએ સ્થાનિકોની મુલાકાત લીધી હતી. તેમણે રહીશોને વિશ્વાસમાં લેતા જણાવ્યું હતું કે,
“આજથી ૮ દિવસની અંદર આ કચરાની સમસ્યાનો કાયમી અને યોગ્ય નિકાલ લાવવામાં આવશે. જો આપેલા સમયગાળામાં આ નિકાલ નહીં આવે, તો તેના જવાબદાર અમે રહીશું.”
હવે જોવાનું એ રહ્યું કે સરપંચ પતિ દ્વારા આપવામાં આવેલી આ ૮ દિવસની મહોલત બાદ રહીશોને આ ઝેરી ધુમાડા અને કચરાની ગંભીર સમસ્યામાંથી મુક્તિ મળે છે કે પછી રહીશોએ પોતાના સ્વાસ્થ્યની રક્ષા માટે ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવો પડશે.
રિપોર્ટર:-કલ્પેશ ધામેલીયા કામરેજ સુરત









