KAMREJSURATSURAT CITY / TALUKO

શેખપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં રૂપિયા ૫ લાખના સામૂહિક શૌચાલયના કામ સામે ગુણવત્તા અંગે સવાલો, તપાસની માંગ

કામરેજ તાલુકાના શેખપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી નવી કોલોનીમાં વર્ષ 2025-26 દરમિયાન મિશન 15મા નાણાપંચ હેઠળ અંદાજિત રૂ. 5 લાખના ખર્ચે સામૂહિક શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. જોકે, સ્થાનિકોમાં આ કામની ગુણવત્તા અને સુવિધાઓને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.

 

સ્થાનિકોના જણાવ્યા મુજબ, સામૂહિક શૌચાલયમાં પાણીની મૂળભૂત સુવિધા માટે જરૂરી નળ ફિટિંગ કરવામાં આવ્યા નથી. ઉપરાંત, શૌચાલયની દિવાલોમાં ચારે બાજુ ભેજ જોવા મળી રહ્યો છે અને પાયાના કામમાં પણ હલકી ગુણવત્તાના બાંધકામ થયાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.

સ્થાનિકોમાં ચર્ચા છે કે જાહેર નાણાંમાંથી થયેલા આ કામમાં ગુણવત્તાના ધોરણોનું પાલન થયું છે કે નહીં તેની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. જો તપાસ દરમિયાન કોઈ ગેરરીતિ, બેદરકારી અથવા નાણાકીય અનિયમિતતા સામે આવે તો જવાબદાર કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

આ સમગ્ર મામલે ગ્રામજનો દ્વારા સંબંધિત વિભાગને સ્થળ તપાસ કરીને બાંધકામની ગુણવત્તા, ખર્ચ અને કામગીરીની પારદર્શક તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. હાલ સુધી સંબંધિત અધિકારીઓનો સત્તાવાર પ્રતિભાવ પ્રાપ્ત થયો નથી.

 

 

રિપોર્ટર: કલ્પેશ ધામેલીયા કામરેજ, સુરત

Back to top button
error: Content is protected !!