કામરેજ તાલુકા ના શેખપુર ગ્રામ પંચાયતમાં RTI નો ચોંકાવનારો જવાબ!

ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં બોરવેલ પરવાનગીનો રેકોર્ડ જ નથી? છતાં પરમિશન અપાઈ હોવાની ચર્ચા
કામરેજ, પ્રતિનિધિ : કલ્પેશ ધામેલીયા
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના શેખપુર ગામની હદમાં આવેલ સિંગલ ટેક્સટાઇલ પાર્કમાં કાર્યરત ઉદ્યોગોમાં વોટર જેટ મશીનો ચલાવવા માટે મોટા પ્રમાણમાં પાણીની જરૂરિયાત રહે છે. આ માટે બોરવેલ અથવા ટ્યુબવેલ કરવાની મંજૂરી અંગે માહિતી મેળવવા એક જાગૃત નાગરિક દ્વારા માહિતી અધિકાર અધિનિયમ (RTI) હેઠળ શેખપુર ગ્રામ પંચાયતમાં અરજી કરવામાં આવી હતી.
અરજીમાં ગ્રામ પંચાયત પાસે બોરવેલની મંજૂરી, પંચાયતનો ઠરાવ, NOC, વોટર ટેક્સ, ફરિયાદ રજીસ્ટર સહિતની વિગતો માંગવામાં આવી હતી. જોકે પંચાયત દ્વારા આપવામાં આવેલા જવાબમાં “અત્રે રેકોર્ડમાં કોઈ માહિતી ઉપલબ્ધ નથી” એવો જવાબ આપવામાં આવ્યો છે.
સ્થાનિક સ્તરે એવી ચર્ચા ચાલી રહી છે કે કેટલાક ઉદ્યોગોને પંચાયતના ઠરાવના આધારે પરવાનગી આપવામાં આવી હોવાની શક્યતા છે. જો આવું સાચું હોય અને RTIમાં તેની માહિતી ન આપવામાં આવી હોય, તો માહિતી છુપાવાઈ હોવાની શંકા ઉભી થાય છે.
હવે સમગ્ર મામલે તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) તથા સંબંધિત ભૂગર્ભ જળ સત્તામંડળ સમક્ષ તપાસની માંગ કરવામાં આવશે. જો પંચાયત પાસે ખરેખર કોઈ નોંધ ન હોય તો ઉદ્યોગોમાં પાણીનો સ્ત્રોત કયા કાયદાકીય આધારે મંજૂર થયો તે પણ તપાસનો વિષય બન્યો છે.
આ સમગ્ર મામલામાં સંબંધિત સત્તાવાળાઓ દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો હકીકત બહાર આવી શકે તેવી સ્થાનિકોમાં ચર્ચા છે.
મુખ્ય પ્રશ્નો
- RTIમાં “રેકોર્ડ ઉપલબ્ધ નથી” તો પરવાનગી કેવી રીતે?
- ગ્રામ પંચાયતનો ઠરાવ છે કે નહીં?
- GPCB અને CGWAની મંજૂરી લેવામાં આવી છે?
- ઉદ્યોગો કયા કાયદાકીય આધારે ભૂગર્ભ જળનો ઉપયોગ કરે છે?
- જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થશે?
પ્રતિનિધિ : કલ્પેશ ધામેલીયા કામરેજ સુરત




