સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં તમામ શાકમાર્કેટ અને ઓવરબ્રિજ ખાતે સાફ-સફાઈ ઝુંબેશ
તા.19/09/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર મહાનગર પાલિકાએ આજે શહેરમાં તમામ શાકમાર્કેટ વિસ્તાર અને ઓવરબ્રિજ ખાતે વ્યાપક સ્વચ્છતા જાગૃતિ અભિયાન ચલાવ્યું હતું જેમાં નાગરિકોમાં સ્વચ્છતાની જાગૃતિ ફેલાવવા સાથે-સાથે “ડોર ટુ ડોર” સાફ-સફાઈ અભિયાન પણ યોજવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મહાનગર પાલિકાના કર્મચારીઓ, સ્વયંસેવકો અને સ્થાનિક નાગરિકોની ભાગીદારીથી કચરાના નિકાલ, રસ્તા ગલીઓની સાફ-સફાઈ કરવામાં આવી હતી આ અભિયાન ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન (શહેરી) હેઠળ દર વર્ષે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી યોજાતું રાષ્ટ્રવ્યાપી પખવાડીયું છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન પર મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે જન ભાગીદારીને પ્રોત્સાહન આપવામાં આવે છે ગુજરાત સરકારે આ વર્ષે અભિયાનની અવધિ 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી લંબાવીને સ્વચ્છોત્સવ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો છે જેમાં “નિર્મળ ગુજરાત 2.0” અને સ્વચ્છતા સર્વેક્ષણને ધ્યાનમાં રાખીને પ્રવાસન, ધાર્મિક અને ઔદ્યોગિક સ્થળો પર વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે શાકમાર્કેટના દરેક ઘર દુકાનોમાં પહોંચીને કચરાનું વર્ગીકરણ (સૂકું-ભીનું) કરીને નિકાલ કરવામાં આવ્યો હતો નાગરિકોને કમ્પોસ્ટિંગ અને રિસાયક્લિંગ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું પોસ્ટર્સ, બેનર્સ અને મોબાઇલ વાન દ્વારા સ્વચ્છતાના મહત્વ વિશે જાણકારી આપવામાં આવી હતી. જેમાં “સ્વભાવ સ્વચ્છતા” અને “સંસ્કાર સ્વચ્છતા” જેવા સંદેશો પર ભાર મૂકાયો હતો આવા કાર્યક્રમો દ્વારા શહેરને કચરા મુક્ત બનાવીને સ્વચ્છતા સર્વેક્ષણમાં ઉચ્ચ રેન્કિંગ મેળવવાનો લક્ષ્ય છે અભિયાન દરમિયાન રોડ અને ફૂટપાથ પરથી માટી-છાણના ઢગલા પણ હટાવવામાં આવ્યા હતા ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને પણ પોતપોતાના વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા માટે અપીલ કરવામાં આવે છે મહત્વનું છે કે, આવતીકાલે તા.20 સપ્ટેમ્બર, 2025ના રોજ સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના તમામ વોર્ડમાં ડોર ટુ ડોર કચરાનું કલેક્શન સહિતની કામગીરી કરવામાં આવશે, તેમજ દરેક વોર્ડમાં સામુદાયિક ભાગીદારી થકી અસરકારક સ્વચ્છતા દ્વારા સ્વચ્છ વોર્ડ સ્પર્ધા યોજાશે.