ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ભારે વરસાદથી સ્થિતિ વચ્ચે ગૌશાળાની મુલાકાત લઈ વ્યવસ્થાની સમીક્ષા કરાઇ

તા.01/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા વિસ્તારમાં હાલ સતત વરસી રહેલા ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાયબ કલેક્ટર અને સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા એચ. ટી. મકવાણાએ આજે ચોટીલા ડુંગરની પાછળ પાળીયાદ રોડ પર આવેલી ગૌશાળાની સ્થળ મુલાકાત લીધી હતી મુલાકાત દરમિયાન તેમણે ગૌશાળામાં આશ્રિત અંદાજે ૩૨૫ ગાયોની સુવિધાઓ અને સંભાળ અંગે વિસ્તૃત સમીક્ષા કરી હતી તેમણે ગાયો માટે ઉપલબ્ધ નીરણ, ઘાસચારો, પીવાના પાણી તથા અન્ય જરૂરી સુવિધાઓની તપાસ કરી હતી ઉપરાંત, ગૌસેવા માટે ઉપલબ્ધ સેવકોની સંખ્યા અને તેમની કામગીરી અંગે પણ માહિતી મેળવી હતી મકવાણાએ સૂચના આપી હતી કે બીમાર અથવા નબળી ગાયોને અન્ય ગાયોથી અલગ રાખીને તેમની તાત્કાલિક પશુચિકિત્સકીય સારવાર કરવામાં આવે જેથી કોઈપણ પ્રકારના ચેપી રોગનો ફેલાવો અટકાવી શકાય તેમણે ગૌશાળામાં સ્વચ્છતા જળવાય, વરસાદી પાણીનો ભરાવો ન થાય ગાયોને પૂરતો ચારો અને શુદ્ધ પીવાનું પાણી નિયમિત ઉપલબ્ધ રહે તેમજ વરસાદની સ્થિતિમાં કોઈપણ ગાયને અગવડતા ન પડે તેની ખાસ તકેદારી રાખવા સૂચનાઓ આપી હતી નાયબ કલેક્ટરે ગૌશાળાના સંચાલકોને ભારે વરસાદ દરમિયાન સતત સતર્ક રહી તમામ ગાયોની નિયમિત દેખરેખ રાખવા જરૂરિયાત મુજબ તાત્કાલિક કાર્યવાહી કરવા તથા કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિ સર્જાય તો તંત્રને ત્વરિત જાણ કરવા પણ સૂચના આપી હતી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભારે વરસાદની સ્થિતિમાં પશુઓની સુરક્ષા અને કલ્યાણ માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.




