સુરેન્દ્રનગર જિલ્લાના અસંગઠિત શ્રમિકો માટે સંજીવની સમાન ગુજરાત સરકારની ‘સિલિકોસિસ આર્થિક સહાય યોજના’
ચાલુ વર્ષે જાન્યુઆરીથી મે દરમિયાન કુલ ૭૭ પીડિત શ્રમયોગીઓની અરજીઓ મંજૂર: પ્રત્યેક લાભાર્થીને રૂ. ૩ લાખ લેખે કુલ રૂ. ૨.૩૧ કરોડની સહાય ચૂકવાશે

તા.10/07/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
ચાલુ વર્ષે જાન્યુઆરીથી મે દરમિયાન કુલ ૭૭ પીડિત શ્રમયોગીઓની અરજીઓ મંજૂર: પ્રત્યેક લાભાર્થીને રૂ. ૩ લાખ લેખે કુલ રૂ. ૨.૩૧ કરોડની સહાય ચૂકવાશે
સુરેન્દ્રનગર જિલ્લાના અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોના સ્વાસ્થ્ય, સુખાકારી અને સામાજિક સુરક્ષા માટે ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી ‘સિલિકોસિસ આર્થિક સહાય યોજના’ આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સંવેદનશીલ નેતૃત્વ હેઠળ, ખાણ, પથ્થર, ક્વોરી, અકીક અને બાંધકામ જેવા જોખમી વ્યવસાયોમાં રાત-દિવસ પરસેવો પાડતા શ્રમયોગીઓને આ જીવલેણ રોગ સામે આર્થિક સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવી રહ્યું છે ચાલુ વર્ષે જાન્યુઆરીથી ૩૧ મે સુધીના ટૂંકા ગાળામાં સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર અને શ્રમ વિભાગના સઘન સંકલનથી કુલ ૭૭ પીડિત શ્રમયોગીઓની અરજીઓ મંજૂર કરવામાં આવી છે આ તમામ લાભાર્થીઓને પ્રત્યેક દીઠ રૂ. ૩ લાખ લેખે કુલ રૂ. ૨.૩૧ કરોડની સહાય સીધી તેમના બેંક ખાતામાં ચૂકવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લો સમગ્ર રાજ્યમાં પથ્થર, ક્વોરી અને ખનિજ આધારિત ઉદ્યોગોનું એક મોટું હબ છે. અહીં હજારો શ્રમજીવીઓ પથ્થરના ગ્રાઇન્ડિંગ, ક્વોરી ડસ્ટિંગ અને સ્ટોન પોલીશીંગ જેવા જોખમી કામો કરીને પોતાની આજીવિકા કમાય છે આ ઔદ્યોગિક પ્રક્રિયા દરમિયાન હવામાં ઊડતી સિલિકાની અતિ સૂક્ષ્મ રજકણો શ્વાસોચ્છવાસ મારફતે ફેફસામાં જમા થાય છે જે લાંબા ગાળે ‘સિલિકોસિસ’ જેવા ગંભીર અને અસાધ્ય વ્યાવસાયિક રોગનું સ્વરૂપ ધારણ કરે છે જ્યારે ઘરનો કમાનારો મુખ્ય વ્યક્તિ આ રોગનો ભોગ બને છે, ત્યારે આખો પરિવાર આર્થિક રીતે નિરાધાર બની જાય છે શ્રમિક પરિવારોને આવી કટોકટીમાંથી ઉગારવા માટે રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા આ વિશેષ આર્થિક સહાય યોજના ચલાવવામાં આવે છે યોજના હેઠળ સહાય અને પાત્રતાના માપદંડો આ યોજના હેઠળ સક્ષમ સત્તાધિકારી દ્વારા લાયક ઠરેલા પ્રત્યેક જીવિત અને પીડિત શ્રમયોગીને તબીબી સારવાર તેમજ આજીવિકાના ટેકા માટે રૂપિયા ત્રણ લાખની માતબર નાણાકીય સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મારફતે સીધી જ તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે આ લાભ મેળવવા માટે સરકારે અમુક ચોક્કસ માપદંડો નક્કી કર્યા છે: અરજદાર ગુજરાત રાજ્યના કોઈપણ વિસ્તારમાં અકીક, પથ્થર, ખાણ કે બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગી અથવા સ્વાશ્રયી કારીગર હોવા જોઈએ. શ્રમિક અધિકૃત રીતે સિલિકોસિસ રોગથી પીડિત હોવાનું સરકારી હોસ્પિટલના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર અથવા નિયત મેડિકલ બોર્ડ દ્વારા પ્રમાણિત થયેલું હોવું અનિવાર્ય છે. પીડિત શ્રમિકે આ રોગ સંદર્ભે વર્કમેન કમ્પેનશેશન એક્ટ (Workmen’s Compensation Act) અથવા ઇ.એસ.આઇ.સી. (E.S.I.C.) હેઠળ એમ્પ્લોયર (માલિક) પાસેથી કે અન્ય કોઈ સંસ્થા પાસેથી અગાઉ કોઈ વળતર મેળવેલું હોવું જોઈએ નહીં. *અરજી પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજો* શ્રમિકોને વહીવટી પ્રક્રિયામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે આ યોજના સન્માન પોર્ટલ પર તા.૧/૬/૨૦૨૬ થી ઓનલાઈન અમલમાં મૂકવામાં આવેલ છે સુરેન્દ્રનગર જિલ્લામાં અરજી સબમિટ કર્યા બાદ, વહીવટી તંત્ર દ્વારા તેનું ખૂબ જ ઝડપી વેરિફિકેશન કરવામાં આવે છે જેથી પીડિતોને વિલંબ વિના સમયસર સહાય મળી રહે.
ઓનલાઈન અરજી સાથે નીચે મુજબના સચોટ દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. અરજદાર શ્રમિકનું આધારકાર્ડ.
• સહાયની રકમ જમા કરાવવા માટે બેંક ખાતાની પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા કેન્સલ કરેલો ચેક. શ્રમિક સંબંધિત જોખમી વ્યવસાય સાથે જોડાયેલા છે તેની ખાતરી આપતું સ્થાનિક તલાટી-કમ-મંત્રી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર. રોગની પુષ્ટિ કરતું સરકારી હોસ્પિટલના અધિકૃત ડૉક્ટર દ્વારા આપવામાં આવેલું ‘સિલિકોસિસ રોગ અંગેનું હેલ્થકાર્ડ સર્ટિફિકેટ’. અગાઉ અન્ય કોઈ કાયદા કે સરકારી યોજના હેઠળ આ રોગ માટે વળતર મેળવેલ નથી તે અંગેનું અસલ સોગંદનામું. સિલિકોસિસ રોગ સંબંધિત અત્યાર સુધી લીધેલી સારવારના તમામ તબીબી કાગળો અને લેબોરેટરી રિપોર્ટ્સ. આમ, આ આપત્તિના કપરા સમયે અસંગઠિત ક્ષેત્રના શ્રમિક પરિવારોને તાત્કાલિક આર્થિક સુરક્ષા પૂરી પાડીને તેમના આંસુ લૂછવાનું અને તેમને પુનઃ સન્માનભેર જીવવાનું પીઠબળ પૂરું પાડવાનું રાજ્ય સરકારનું આ કાર્ય સામાજિક સુરક્ષાના ક્ષેત્રે એક સીમાચિહ્નરૂપ પગલું સાબિત થયું છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સરકારની આ સંવેદનશીલ અને શ્રમિક- કલ્યાણલક્ષી નીતિને સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર અને શ્રમ વિભાગ દ્વારા ખૂબ જ પારદર્શી અને ગતિશીલ રીતે જમીની સ્તર પર સાકાર કરવામાં આવી રહી છે તંત્ર દ્વારા જિલ્લાના તમામ લાયક, જરૂરિયાતમંદ અને અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને સરકારની આ કલ્યાણકારી ‘સિલિકોસિસ આર્થિક સહાય યોજના’નો મહત્તમ લાભ લઈ આર્થિક કવચ મેળવવા અને પોતાના હક માટે સમયસર આગળ આવવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.





